બહેરામપુરાના ઢોરવાડામાં 15 દિવસમાં 33 પશુઓનાં મોત

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રખડતાં ઢોરને પકડીને બહેરામપુરાના ઢોરવાડામાં પૂરવામાં આવે છે, પરંતુ આ ઢોરવાડામાં પૂરવામાં આવતાં ઢોરની યોગ્ય દેખભાળ કરાતી ન હોઈ ઢોરનાંં મૃત્યુનું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. જેના કારણે મ્યુનિસિપલ વર્તુળોમાં ઢોરવાડો કે કસાઈવાડે એવી ચર્ચા ઊઠી છે.

બહેરામપુરા સ્થિત ઢોરવાડાને 'કરુણા મંદિર' એવું રૂડું રૂપાળું નામ અપાયું છે, પરંતુ આ ઢોરવાડો તંત્રની ઉપેક્ષાના કારણે તેમાં પૂરવામાં આવતાં ઢોર માટે નર્કાગાર બન્યો છે.

હાલની ચોમાસાની ઋતુમાં ઢોરવાડાનાં જર્જરિત શેડને રિપેર કરવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત ઢોર ઊભાં રખાય છે તે જમીન પણ સમતલ ન હોઈ અનેક ઢોરના પગ મચકોડાઈ જાય છે.

રખડતાં ઢોર અવારનવાર માંદાં પડે છે. વેટનરી ડોક્ટરની પૂરતી સંખ્યા ન હોઈ તે પૈકીના અનેક ઢોર મૃત્યુ પામે છે. વર્ષોથી ઢોરવાડાને અદ્યતન બનાવવાની તેમજ તેનું વિસ્તરણ કરવાની સત્તાવાળાઓ જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી ઢોરવાડાની તરફ પૂરતું ધ્યાન અપાતું નથી.

આના કારણે ઢોરવાડાના એક મોટા હિસ્સામાં શાસક ભાજપ સાથે છેડા ધરાવતા એક કોન્ટ્રાક્ટરને સાવ મફતમાં રખડતાં કૂતરાંના ખસીકરણ અને રસીકરણ કરવા માટે જમીન પૂરી પડાઈ છે. આ બાબતે લાંબા સમયથી ઊહાપોહ થાય છે.

સત્તાવાળાઓએ પણ આ વિવાદ વકરતાં આ કોન્ટ્રાક્ટરને અન્ય જગ્યાએ પ્લોટ ફાળવવા માટેની દરખાસ્ત પણ તૈયાર કરી હતી. છેવટે આ ફાઈલને રાજકીય દબાણ આવતાં અભરાઈએ ચઢાવી દેવાઈ છે.

ગત તા. ૧૫ ઓગસ્ટથી ૨૯ ઓગસ્ટ સુધીની તંત્રની રખડતાં ઢોર પકડવાની કામગીરી સહિતની વિગત તપાસ ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. આ સમયગાળામાં સત્તાધીશોએ કુલ ૮૧૧ ઢોર પકડ્યાં હતાં. જ્યારે ૩૫૬ ઢોરને બહારગામ પાંજરાપોળ મોકલી દેવાયાં હતાં.

જોકે ફક્ત પંદર દિવસમાં ઢોરવાડામાં ૩૩ ઢોર મરણને શરણ થયાં હતાં. તો ૮૦ ઢોર માંદાં પડ્યાં હતાં. તંત્ર દ્વારા રખડતાં ઢોરને ખાધાખોરાકી પાછળ દર વર્ષે રૂ. ૯૦ લાખ જેટલા નાણાં ખર્ચાઈ રહ્યાં હોવા છતાં ઢોરનાં મૃત્યુ અને માંદાં પડવાની સંખ્યાનું પ્રમાણ ચિંતાજનક છે એમ જણાવતાં જાણકાર સૂત્રો કહે છે, કાંકરિયા ઝૂનાં પ્રાણીઓની ખાધાખોરાકીમાં 'કટકી' વ્યવહાર ચાલી રહ્યો છે. જોકે આ મામલો પણ હજુ સુધી સત્તાવાળાઓ દ્વારા ગંભીરતાથી લેવાયો નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.