પાલનપુર હાઇવે પરથી કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની અટકાયત

પાલનપુર : કાંગ્રેસ નેતા હાર્દિક પટેલ બહેનો સાથે આજે પાલનપુર સબ જેલમાં બંધ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાખડી બાંધવા આવ્યો હતો. જોકે, પોલીસે તેની હાઇવે પરથી જ અટકાયત કરી હતી. જેને લઈને મામલો ગરમાયો હતો.
બનાસકાંઠાના તત્કાલીન એસ.પી.સંજીવ ભટ્ટની બોગસ નાર્કોટિક્સ કેસમાં ધરપકડ થઇ છે. આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથ મામલે જામનગર કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેવા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ હાલમાં પાલનપુર સબજેલમાં છે. ત્યારે રક્ષાબંધનના પર્વને લઇને પાસ નેતા હાર્દિક પટેલ ૨૦૦ જેટલી બહેનો સાથે આજે પાલનપુર સબજેલમાં સંજીવ ભટ્ટને રાખડી બાંધવા આવી રહ્યો હતો. જેને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી 
દીધો હતો. જોકે, હાર્દિક પટેલ તેના કાફલા સાથે પાલનપુર હાઇવે પર આવતા જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. પોલીસ હાર્દિક પટેલને પશ્ચિમ પોલીસ સ્ટેશને લઇ ગઈ હતી. જોકે, હાર્દિક પટેલે કાર્યક્રમ સ્થળના બદલે હાઇવે પરથી જ પોતાની અટકાયત કરવા સામે પોલિસની કાર્યપધ્ધતિ સામે રોષ ઠાલવ્યો હતો. પોલીસે હાર્દિકની અટકાયત કરતા પોલીસ અને કાંગ્રેસ અગ્રણીઓ વચ્ચે રકઝક થતા મામલો ગરમાયો હતો. હાર્દિક પટેલની સાથે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ, ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કાંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી સહિત ૨૮ લોકોની અટકાયત કરાઈ હતી.
આવતીકાલે રક્ષાબંધન હોવાથી પાલનપુર સબજેલમાં કેદ પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટને રાખડી બાંધવા માટે ૨૦૦ થી વધારે બહેનો પાલનપુર સબ જેલ આગળ પહોંચી ગઈ હતી. જોકે આ બહેનો સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ સબજેલની અંદર સંજીવ ભટ્ટને મળવા જવાનો હોઈ પોલીસ દ્વારા જેલ જવાના માર્ગને  બેરીકેટેડ ગોઠવીને બંધ કરી દેવાયો હતો. અને ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે સંજીવ ભટ્ટને રાખડીઓ બાંધનાર આવેલી મહિલાઓ જોડે હાર્દિક પટેલ પહોંચે તે પહેલાં પાલનપુર પોલીસ દ્વારા પાલનપુર હાઇવે ઉપર થી હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી. અને તેને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લઇ જવાયો હતો. જોકે, હાર્દિક પટેલે ભાજપ સરકારના રાજમાંતહેવારની ઉજવણી પણ કરવા દેવામાં ન આવતી હોવાના આક્ષેપો કર્યા હતા. સંજીવ ભટ્ટને જેલમાં મળવાનો સમય ૧૨ વાગ્યા સુધીનો જ હતો. એટલે પોલીસ દ્વારા હાર્દિક પટેલ સહિત ૨૮ લોકોને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે બેસાડી રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને પોલીસ દ્વારા મુક્ત કરાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમને જાણી જોઈને સંજીવ ભટ્ટને મળવા ન દેતા હવે સમય  પૂરો થઈ ગયો હોવાથી અમે સંજીવ ભટ્ટને મળવાનો કાર્યક્રમ રદ કર્યો છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકેથી હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને છોડી મુકતા પોલીસ મથક આગળ મોટી સંખ્યામાં પાટીદાર લોકો ઉમટી પડ્‌યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.