સુરતમાં ત્રણ માસ પહેલા જ ખરીદેલી કારમાં પરિવાર કાળનો કોળીયો બન્યો, ભાઈ-બહેનના મોત, પિતાનો હજુ પત્તો લાગ્યો નથી

ગુજરાત
ગુજરાત

સુરતઃ બારડોલીના મઢીનું પરિવારની દીકરીની રવિવારે ધોરણ ૧૨ સાયન્સની પ્રેકટીકલ પરિક્ષા હોય, પિતા કારમાં મૂકવા બારડોલી જવાના હોવાથી ૧૪ વર્ષનો દીકરો પણ રજા હોવાથી તૈયાર થઇ ગયો હતો. ઉવા ગામની સીમમાંથી પસાર કાકરાપાર ડાબાકાંઠા મુખ્ય કેનાલના માર્ગ પર અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર નહેરના ધસમસતા પાણીમાં ઉતરી ગઇ હતી. જેમાં દીકરી અને દીકરાનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા નેહરમાં તણાઈ જતા હજુ સુધી પત્તો લાગ્યો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, જે કારમાં પરિવાર કાળનો કોળીયો બન્યો તે કાર ત્રણ માસ પહેલા જ ખરીદી કરવામાં આવી હતી. આ કાર ખરીદીની તસવીર પણ સામે આવી છે. જેમાં દીકરો, દીકરી અને પિતા ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.
 
ઘટના શું હતી?
બારડોલીના મઢી ગામે રહેતા શશીભાઇ ધનસુખભાઇ પરમાર પોતે મંડપ ડેકોરેશનનો ધંધો કરે છે. દિકરી ઉર્વી પરમાર(ઉ.વ.૧૭) બારડોલીની જેએમ પટેલ હાઇસ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરે છે. જેની રવિવારે સવારે પ્રોજેક્ટ પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી સવારે પિતા શશીભાઇ મૂકવા તૈયાર થયા હતા. દીકરો યશ પરમાર(ઉ.વ.૧૪) મઢીમાં અંગ્રેજી મિડિયમમાં ધોરણ ૮માં અભ્યાસ કરતો હોય, રવિવારની રજા હોવાથી પોતે પણ બહેનને મૂકવા આવવા તૈયાર થઇ ગયો હતો. ઉર્વી પરમારને પરીક્ષા આપવાનો ઉત્સાહ અને યશ પરમારને બહેનને સ્કૂલમાં છોડવાનો આનંદ સાથે ઘરેથી કાર(GJ-19-BA-0715)માં નીકળ્યા હતા. જોકે, ઉવા ગામે કાકરાપાર મુખ્ય કેનાલના રસ્તા પરથી પસાર થતાં જ પિતાએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર નહેરના ખાબકી હતી. જોકે, પ્રથમ કારનો આગળનો ભાગ ડૂબ્યો હોય, પાછળનો ભાગ દેખાતો હતો. ત્યારે અંદરથી શશીભાઇ બે હાથ ઊંચા કરી બાદમાં માથું બહાર કાઢીને પોતાને તરતા આવડતું ન હોવાનું જણાવી મદદ માટે બૂમ મારી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા એક બાઈક ચાલકે ઘટના નીહાળી હતી. જોકે, પોતાને પણ તરતા આવડતું ન હોવાથી મુક પ્રેક્ષક બનવા સિવાય કંઇ કરી શક્યો ન હતો. ત્યારબાદ એક કાર ચાલક પણ ગામમાં મદદ માટે દોડ્યો હતો. જોકે, થોડી ક્ષણમાં નહેરના ધસમસતા પાણીમાં ખેંચાઇ ડૂબી ગઇ હતી. ઘટના અંગે બારડોલી પોલીસ અને ફાયરની ટીમને જાણ કરતાં સ્થળ પર પહોંચી ડૂબેલી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. જેમાંથી માસૂમ ભાઇ-બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પિતા ઊંડા પાણીમાં ખેંચાઇ જતા લાપત્તા થયા હતાં. જેની હજુ સુધી શોધખોળ કરવા છતાં ભાળ મળી નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.