દબાણા સામે મનસ્વી કાર્યવાહીના વિરોધમાં ઈકબાલગઢ સજ્જડ બંધ

 
 
                                     બનાસકાંઠાના સરહદી અમીરગઢ તાલુકાના મુખ્ય વેપારી મથક ઇકબાલગઢ ખાતે રેલવે ઓવરબ્રિજનું સ્થગિત કરાયેલ કામ પૂનઃ શરૂ કરવા અને દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં તંત્રની વ્હાલા દવાલાની નીતિના વિરોધમાં આજે ગામના વેપારીઓએ સજ્જડ બંધ પાળી આકરો વિરોધ નોંધાવ્યો હતો.
બનાસકાંઠાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દબાણોનો મામલો પેચીદો બની રહ્યો છે.માથાભારે અને વગદાર લોકોના દબાણો તોડવાની તંત્ર હિંમત કરતું નથી જ્યારે ગરીબ દબાણદારો પર તંત્ર કોરડો વિંઝી રહ્યું છે.કઈક આવા જ આક્ષેપો સાથે આજે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના વેપારીઓએ પણ આજે સજ્જડ બંધ પાળી આકરો વિરોધ નોંધાવ્યો હતો.એક બાજુ ઇકબાલગઢથી બાલુન્દ્રા અને કપાસિયા તરફ જતા માર્ગ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બાંધવાની કાર્યવાહી હાથ ધરાતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.જોકે કોઈ અગમ્ય કારણોસર આ ઓવરબ્રિજનું નિર્માણકાર્ય સ્થગિત કરી દેવાયું છે.બીજી બાજુ, સરકારી તંત્રએ ઈકબાલગઢના દબાણો હટાવવાના નામે માપણી કરી ખાનગી મિલકતો પર નિશાન કર્યા બાદ સાચા દબાણદારોને નજરઅંદાજ કરી સામાન્ય લોકોને જ નિશાન બનાવાયા હોવાની લાગણી પણ બળવત્તર બની છે.આવી સ્થિતિમાં આજે ઈકબાલગઢ ગામના નાના મોટા તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી આકરો વિરોધ નોંધાવ્યો હતો.તાલુકાના વહીવટી તંત્ર દ્વારા દબાણની ખોટી  માપણી કરી સાચા દબાણોને નજરઅંદાજ કરી નાના દબાણદારોને હેરાન કરાતા હોવાના આક્ષેપો કર્યા હતા.ઈકબાલગઢ ગામમાં જવાબદાર આગેવાનોના દબાણો સામે આંખ આડા કાન કરતું  વહીવટી તંત્ર આ મામલનો યોગ્ય નિવડો ના લાવે ત્યાં સુધી બજાર બંધ રાખી મક્કમ લડત આપવાની ચીમકી પણ સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે ઈકબાલગઢમાં દબાણોના મામલે ગ્રામજનો દ્વારા થઈ રહેલ આક્ષેપોને ગંભીરતાથી લઈ સબંધીત સત્તાવાળાઓ યોગ્ય ચકાસણી કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરાઈએ ઈચ્છનીય છે.
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.