વડોદરામાં ગણેશોત્સવના ફાળા મામલે હત્યાના CCTV સામે આવ્યા, આરોપીની શોધખોળ શરૂ

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે ગણપતિ ઉત્સવનો ફાળો ઉઘરાવવા બાબતે ઝઘડા બાદ યુવાનની હત્યા થઇ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુવાન પર થઇ રહેલો હુમલો સ્પષ્ટ દેખાય છે.
 
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે આવેલા ભૈરવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો સંજુ ચંદુ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં ગણપતિનો ફાળો લેવા માટે ગયા હતા. જે ફાળા બાબતે ઉકાજીના વાડીયામાં રહેતા રમેશ ઉર્ફ ટીનો રણછોડભાઇ ભોઇ સાથે મારામારી થઇ હતી. જેમાં પરિવાર ચાર રસ્તા પાસેની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવે રવિવારે રાત્રે વિસ્તારમાં ઉત્તેજના ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે સંજુ કહાર અને ટીના ભોઇએ પાણીગેટ પોલીસ મથકમાં એકબીજા સામે આક્ષેપો કરતી ફરિયાદો નોંધાવી હતી.
 
રવિવારે રાત્રે બનેલા આ બનાવ બાદ સંજુ કહાર અને ટીના ભોઇ વચ્ચે સમાધાનની પણ વાટાઘાટો શરૂ થયો હતો. દરમિયાન આજે સવારે ટીનો ભોઇ ગણપતિ માટે બાંધવામાં આવેલા પંડાલમાં બેઠો હતો. તે સમયે સંજુ કહાર ત્યાં આવી પહોંચ્યો હતો. અને ટીના ભોઇને જણાવ્યું હતું કે, તારે પંડાલમાં બેસવું નહીં. જે બાબતે પુનઃ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. પરંતુ અન્ય યુવાનો આવી જતા મામલો થાળે પડી ગયો હતો.
 
જોકે, રમેશ ઉર્ફ ટીનો ભોઇ રવિવારે રાત્રે થયેલા ઝઘડાનો બદલો લેવા માટે પંડાલમાં ચાકૂ લઇને જ બેઠો હતો. સંજુ કહાર ઝઘડો કરીને પોતાની બાઇક ઉપર પોતાના દોઢ વર્ષના પુત્રને ચક્કર મરાવવા માટે નીકળતા ટીના ભોઇએ તેણે પરિવાર ચાર રસ્તા પાસે રોકી પેટમાં ચાકૂ મારીને ફરાર થઇ ગયો હતો.
 
પેટમાં ચાકૂનો જોરદાર ઘા વાગતા સંજુ કહાર સ્થળ પર જ ઢળી પડ્યો હતો. આ બનાવ બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને લોહીલુહાણ હાલતમાં સંજુ કહારને નજીકમાં આવેલી ખાનગી સવિતા હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ચાકૂનો ઉંડો ઘા વાગવાથી સંજુ કહારને તબીબો સારવાર આપે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.