ચાણસ્મામાં ખેડૂતોએ ભીખ માંગી પાણી મેળવવા સરકાર સામે વિરોધ દર્શાવ્યો

 
 
 
                      ચાણસ્મા તાલુકાના આશરે ૨૦ જેટલાં ગામોમાં ખોરસમ-માતપુર કેનાલમાંથી સિંચાઇનું પાણી મેળવવા આ વિસ્તારનો ખેડૂત મરણિયા બન્યો છે અને નર્મદા વિભાગને તેમજ સરકારને જગાડવા છેલ્લા એક માસથી જુદા-જુદા કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને ભાજપ/કોંગ્રેસ પક્ષના તમામ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. જેના ભાગરૂપે અગાઉથી નક્કી થયા મુજબ ચાણસ્મા તાલુકા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને ખેડૂતોએ વિશાળ સંખ્યામાં ભેગા થઇ ગતરોજ સવારે ચાણસ્મા બજારના વ્યાપારીઓ પાસે જઇ ભીક્ષાવૃત્તિનો નવતર પ્રયોગ હાથ ધરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તાલુકાભરમાંથી ૫૦૦ કરતાં પણ વધારે ખેડૂતો જાડાયા હતા.
ગતરોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે ચાણસ્મા ટાવર ચોક આગળ તાલુકાભરમાંથી આ કાર્યક્રમમાં ખેડૂતો જાડાયા હતા. ત્યારબાદ સરદારની પ્રતિમાને હાર પહેરાવી વર્તમાન સરકાર સામે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન 
કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ વ્યાપારીઓ પાસેથી ભીખ માગી ફાળો એકત્રિત કર્યો હતો. ત્યારબાદ ચાણસ્મા નગરમાં રેલી નીકળ્યા બાદ મામલતદાર કચેરીએ જઇ વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપવા જતાં ખેડૂતોને પોલીસે અટકાવ્યા હતા. જેથી ખેડૂત અને પોલીસ વચ્ચે તૂ...તૂ... મેં...મેં... થતાં ઘડીકવાર ઉત્તેજના વ્યાપી ગઇ હતી. ઉઘરાવેલો ફાળો મુખ્યમંત્રીના રાહત નીધી ફંડમાં જમા કરાવવા મામલતદારને આપતાં મામલતદારે ફાળો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ખેડૂતોની માંગણી મુજબ પાણી છોડવામાં ન આવે તો આગામી દિવસોમાં સરકાર વિરૂધ્ધ જલદ કાર્યક્રમો કરવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી. આ સભામાં ભાજપના પૂર્વ પ્રમુખ ચંદુભાઇ પટેલ, પાટણ જીલ્લા કોંગ્રેસ મંત્રી રાજુલ પટેલ, તાલુકા પંચાયત કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઇ, ઉપપ્રમુખ દિનેશ ચૌધરી અને વિરમભાઇ ઓઝા સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.