સુરતના હેકરની નાની ઉંમરે મોટી સફળતા, સાયબર સિક્યોરિટીના ગૂંચવાયેલા કેસોમાં પોલીસ માંગે છે મદદ

સિધ્ધાંતો પર ચાલનારાને આજના યુગમાં સફળતા મળવી મુશ્કેલ હોવાનું કહેવાય છે. ત્યારે પોતાના સિધ્ધાંતો પર સામા પ્રવાહે ચાલીને નાની ઉંમરે સફળતા મેળવવી અને તેને ટકાવી રાખવી ભલભલા માટે મુશ્કેલ હોય છે. પરંતુ દરેક મુશ્કેલીઓમાં મહામહેનતથી મહારથ મેળવનારા બહુ ઓછા હોય છે. ગૂંચવાયેલા કેસમાં પોલીસને પણ મદદ કરીને ક્રાઈમના કરોળીયાના જાળાને ઉકેલી નાખીને ઓનલાઈન સેક્સ રેકેટ જેવા અઘરા કેસને ચપટીની વારમાં સુલજાવી અપરાધીઓને જેલ ભેગા કરાવનાર જય ગાંગાણી એથિકલ હેકર તરીકે સેવા આપે છે. સિધ્ધાંતોને નેવે મુક્યા વગર જાત તપાસ કરીને જરૂરી લાગે તો જ જાસૂસીના સોફ્ટવેર આપે છે. જેથી અનેક પરિવારના માળા વિખેરાતાં અટક્યાં છે. 
 
આપણે ત્યાં કહેવત છે કે, પુત્રના પારણાં..કદાચ આ કહેવત અશોકભાઈ અને ગીતાબેન ગાંગાણીના પરિવારમાં 13મી ઓગસ્ટ 1992ના રોજ જન્મેલા જય માટે ચરિતાર્થ થઈ હતી. પરિવારના એકના એક સંતાન જયે જણાવ્યું હતું કે, પિતા ત્યારે હીરાના વ્યવસાયમાં હતાં. મોસાળ તળાજામાં તેનો જન્મ થયો હતો. પરિવારમાં સૌથી મોટા હોવાથી ભારે લાડકોડથી તેમનો ઉછેર થયો હતો. અને બાળપણ તોફાન મસ્તીમાં પસાર થયું હતું. જેથી નાની ઉંમરે જ પરિવારને કઠોર નિર્ણય લઈને હોસ્ટેલમાં અભ્યાસ માટે મોકલ્યો હતો. 
 
વરાછા વિસ્તારની પોશ સોસાયટી ગણાતી મમતા પાર્કમાં રહેતા ગાંગાણી પરિવારના જયએ જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણમાં વાલ્મિકી વિદ્યાલયમાં હોસ્ટેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેમનામાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ત્યાં એક લાયબ્રેરી હતી. જેમાં મન લાગી ગયું હતું. પુસ્તકો સાથેના લગાવને જોતા સમય જતાં તેનો ઈન્ચાર્જ જ બનાવી દેવામાં આવ્યો હતો. જ્યાં અનેક વિધ પુસ્તકોએ અને માહોલે બરાબર ઘડતર કર્યું હતું.
 
સુરતમાં 12 સાયન્સના અભ્યાસ બાદ એક્સર્ટનલમાં અભ્યાસ કરનારા જય ગાંગાણીએ લંડનથી એક્સટર્નલમાં બીએસસી આઈટીનો અભ્યાસ કરવાની સાથે સાથે યુએસની યુનિવર્સિટીના વિવિધ ડિગ્રી કોર્ષ ઈન્ટરનેટના માધ્યમથી સુરત બેઠા બેઠાં જ કર્યા હતાં. જે કોર્ષના કારણે જ આજે તેમને એથિકલ હેકીંગ, કોમ્પ્યુટર ફોરેન્સિક, સિક્યુરિટી, એનાલિસિસ વગેરેમાં માસ્ટરી છે. અને કોઈપણ આંટીઘૂંટીવાળો કેસ હોય તો આસાનીથી ઉકેલવામાં મદદ મળી રહે છે. 
 
વર્ષ 2010ની આસપાસ જ્યારે પોલીસમાં સાયબર સિક્યુરિટીમાં સેવા આપવાની શરૂઆત કરનારા જયએ જણાવ્યું હતું કે, ત્યારથી પોલીસને સાયબર સિક્યુરિટીના સેમિનારોની સાથે સાથે ઘણા કેસમાં મદદ પણ કરી હતી. સુરતમાં ધમધમી રહેલા ઓનલાઈન સેક્સ એસ્કોર્ટના નેટવર્કને ઝડપી પાડવામાં પોલીસે તેમની મદદ માંગી હતી. અને ગણતરીના સમયમાં જ પોલીસને નેટવર્ક ચલાવનારના આઈપી એડ્રેસથી લઈને એડમીન સુધી પહોંચવામાં મદદ કરી હતી. એટીએમ ફ્રોડ હોય કે અન્ય કેસમાં પોલીસ પાસેથી એક રૂપિયો લીધા વગર સહાયતા કરીને શક્ય તેટલી મદદ કરી હોવાથી પોલીસ બેડા દ્વારા પણ ઘણીવાર સન્માન કરવામાં આવ્યાં છે.
  
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.