હાઈકોર્ટનો આદેશ પણ મ્યુનિ. પાસે રખડતાં ઢોર પકડવા પૂરતો સ્ટાફ જ નથી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરને પકડીને ઢોરવાડે મોકલવા મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાસ તાકીદ કરાઇ હતી. જેમાં રોજના ૧૦૦ ઢોર પકડવાની તાકીદનો પણ સમાવેશ થાય છે. જોકે આર્શ્ચયજનક બાબત એ છે કે તંત્ર પાસે ઢોર પકડવા માટે પૂરતી સંખ્યામાં મજૂરો જ નથી.

જમાલપુરના જગન્નાથ મંદિરની સામે આવેલા સેન્ટ્રલ સ્ટોર્સમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગની ઓફિસ છે. આ વિભાગ દ્વારા શહેરભરમાંથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ છે. ગયા શુક્રવારે હાઇકોર્ટના આદેશના પગલે ઢોર ત્રાસ અંકુશ વિભાગ દ્વારા નહેરુનગર, પાલડી, ખમાસા સહિતના વિસ્તારમાંથી ૯૮ ઢોર પકડીને ઢોરવાડે પુરાયા હતા. ગત ઓગસ્ટ ર૦૧૭થી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૧૭રર૮ ઢોર ઝબ્બે કરાયા છે.

જોકે ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સ્ટાફની કારમી અછત છે. અમદાવાદનું ક્ષેત્રફળ ૪૬૬ ચોરસ કિ.મી. સુધી ફેલાયું હોઇ દાયકાઓ જૂનું સ્ટાફનું શેડ્યુલ આજે પણ નવા સમયને અનુરૂપ બનાવાયું નથી. જાણકાર સૂત્રો કહે છે સમગ્ર ઢોર ત્રાસ અંકુશ વિભાગ અન્ય વિભાગથી આવેલા કર્મચારીઓની ફાળવણીથી ચાલે છે. ખુદ સુપ્રીન્ટેડેન્ટ ડો. જયંત કાચા રાજ્ય સરકારમાંથી આવ્યા છે.

ઓફિસ સુપરિન્ટેડેન્ટ એસ.આઇ., એસ.એસ.આઇ., મુકાદમ, ડબાકિપર વગેરે સ્ટાફની જગ્યા ખાલી પડી છે. ઢોર પકડવા માટેના મજૂરની જગ્યા ૬૮ હોઇ તે પૈકી મોટા ભાગની જગ્યા ખાલી પડી છે. કાયમી સફાઇ કર્મચારી વગેરેની પણ જગ્યા ભરવાની તસદી લેવાઇ નથી. આ વિભાગના સ્ટાફને ઇન્ટરનેટની સુવિધા પણ અપાઇ નથી. પરિણામે સ્ટાફમાં એક અથવા બીજા પ્રકારનો અસંતોષ ફેલાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.