થરાદના પીલુડા પાસે ટ્રેલર અને ટ્રેક્ટર ટકરાતાં બેનાં મોત

 
 
 
 
 
 
                 થરાદ તાલુકાના પીલુડા ગામ પાસે બેફામ ઝડપે દોડતાં ટ્રેલરે ટ્રેક્ટરને ઘડાકાભેર ટક્કર મારતાં ભોરડુ ગામના એક યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર હદે ઘવાયેલ બીજાએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બે યુવાનોના અકાળે મોતને લઇ ગામમાં અરેરાટી છવાઇ હતી. 
ભોરડુ ગામના હસમુખભાઇ ધનજીભાઇ ઠાકોર (ઉં. વર્ષ-૨૮) ને ભેંસ લેવાની હોઇ ગામના નરસીભાઇ નવાભાઇ ઠાકોર (ઉં.વર્ષ-૩૦) તથા જગાભાઇ વેરસીભાઇ ઠાકોર (ઉં.વર્ષ-૨૮) સાથે ન્યુ હોલેન્ડ કંપનીનું ટ્રેક્ટર (નં. જીજે-૦૮-એજે-૩૨૫૫) લઇને સાંજના સુમારે આજુબાજુના ગામોમાં જવા નીકળ્યા હતા. દરમિયાન રાતના એક વાગ્યાના સુમારે પીલુડા ગામ પાસે સામેથી માતેલા સાંઢની જેમ આવતાં ટ્રેલર (નં. આરજે-૦૭-જીસી-૧૮૦૫) ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી ટ્રેક્ટરને ઘડાકાભેર ટક્કર મારતાં ટ્રેક્ટરમાં સવાર હસમુખભાઇ ઠાકોરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બે ગંભીર હદે ઘવાયા હતા. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ટ્રેલર મૂકી નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ મોબાઇલ વાન બોલાવી અંતે ઘવાયેલને થરાદ સરકારી દવાખાને ખસેડ્યા હતા પરંતુ સારવાર દરમિયાન નરસીભાઇ ઠાકોરનું પણ મોત નિપજ્યું હતું. બે યુવાનોના અકાળે મોતને લઇ ગામમાં અરેરાટી છવાઇ હતી. 
આ બાબતે ધનજીભાઇ રૂપાજી ઠાકોરે થરાદ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.