મહેસાણામાં ટ્રક ચાલકની ચોરીના ઇરાદે હોટલ માલિક દ્વારા હત્યા : ત્રણ શખ્સ પકડાયા

મહેસાણામાં બિકાનેરથી સિમેન્ટ ભરીને આવેલા ટ્રક ચાલકની ચોરીના ઇરાદે હોટલ માલિક દ્વારા હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. તસવીરમાં મોઢું ઢાંકેલા દેખાતા આ ત્રણ શખ્સ આમ તો હોટલ માલિક છે.પણ હોટલના ધંધાની સાથે સાથે તેમનો મૂળ ધંધો ચોરીનો છે. છેલ્લા 6 મહિનાથી તેઓ આમ તો ચોરી કરી રહ્યા હતા. પણ આ વખતે ચોરીની સાથે સાથે એક નિર્દોષની હત્યા પણ કરી છે. સંજયસિંહ ચૌહાણ ઉર્ફે સુરેન્દ્રસિંહ, વિજય ઠાકોર ઉર્ફે ટિકલો અને પ્રકાશજી દિવાનજી ઠાકોર નામના આ ત્રણ શખ્સો મહેસાણાના ધીણોજ ગામ નજીક મહાદેવ હોટલ નામની હોટલ ચલાવે છે. આ હોટલ ઉપર જે કોઈ ટ્રક ચાલક રાત્રિ રોકાણ કરે તેના ટ્રકમાંથી રાત્રિ દરમિયાન માલ સમાનની ચોરી કરી લેતા. બિકાનેરથી જીજે 12 બીટી 3714 નંબરના ટ્રકમાં સિમેન્ટ ભરીને નીકળેલા જગદીશ ખાન, ખયાલી ખાન મહાદેવ હોટલ આગળ ગત તારીખ 27 જૂનના રોજ રાત્રે રોકાયા હતા. આ ટ્રક ચાલકની ટ્રકમાંથી હોટલના ત્રણેય માલિક સિમેન્ટની ચોરી કરતી વખતે ટ્રક ચાલક જાગી ગયો અને પોતાનો ભેદ ખૂલી જશે એ બીકે હોટલના માલિકોએ ટ્રક ચાલકની હત્યા કરી હતી. ત્યાર બાદ ટ્રક ચાલકની લાશને છઠીયારડા ગામ નજીક નદીમાં ફેંકી દીધી હતી. જો કે મહેસાણા પોલીસે માત્ર ત્રણ જ દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો. હોટલ માલિક ચૌહાણ સંજયસિંહ સહિત ત્રણ શખ્સ પકડાયા હતા. આ હત્યા વિશે ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ કહ્યું કે, હોટલ માલિક સહિત ત્રણ શખ્સોએ આ હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. આ ત્રણ શખ્સોએ 2 લાખના સિમેન્ટની લાલચમાં ટ્રક માલિકની હત્યા કરી હતી. ગત તારીખ 28 જૂનના રોજ મહેસાણા પોલીસને નદીમાંથી અજાણ્યા શખ્સની લાશ મળી હતી. માથાના ભાગે ગંભીર ઇજા હોવાને કારણે પોલીસે અજાણ્યા શખ્સની હત્યા થઈ હોવાની આશંકા સાથે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ મહેસાણા એલસીબીને સોંપવામાં આવી હતી. પોલીસને તપાસમાં માહિતી મળી હતી કે, મહાદેવ હોટલ નજીક હત્યા કરેલ વ્યક્તિને જોવામાં આવ્યો હતો. આ માહિતી આધારે હોટલ માલિકની આકરી પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ચોરીના ઈરાદે હોટલ માલિક દ્વારા હત્યા એ ખૂબ ગંભીર બાબત ઘણી શકાય. ત્યારે હાઇવે ઉપર રોકાણ કરતા લોકો માટે આ કેસ લાલબત્તી સમાન છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.