વહુની બન્ને કિડની ફેલ થતાં સાસુ આવી વહારેઃ કિડની આપી બચાવ્યો જીવ

સાસુ વહુના દરેક ઘરમાં ઝઘડા ચાલતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતના પરવત પાટીયા વિસ્તારમાં આવેલા આઈ માતા ચોક નજીક રહેતા એક પરિવારમાં વિપરીત સ્થિતી જોવા મળી હતી. અહીં વહુની બન્ને કિડની ફેલ થયા બાદ કોઈ દાતા ન મળતાં ખુદ સાસુ તેની વહારે આવ્યા હતાં. અને પોતાની કિડની આપીની વહુનો જીવ બચાવ્યો હતો. બાદમાં સાસુએ કહ્યું હતુંકે, મેં વહુ નહીં પરંતુ દીકરીનો જીવ બચાવ્યો છે.
 
આઈ માતા ચોક વિસ્તારમાં રહેતાં કપડાના વેપારી નંદકિશોરની પત્ની આશાની બન્ને કિડનીઓ ફેલ થઈ ચુકી હતી. બચવાની આશા ઓછી હતી. કિડની માટે દાતાઓ મળતા નહોતા. એવામાં આશાની 65 વર્ષિય સાસુ શાંતિ દેવીએ પોતાની એક કિડની આપવાનો નિર્ણય કર્યો જેથી વહુનો જીવ બચી ગયો. શાંતિ દેવીએ કહ્યું કે, મેં વહુ નહી પરંતુ પોતાની દીકરીને બચાવી છે. નંદકિશોરે કહ્યુ કે મારી માતાજીએ સાક્ષાત દેવીનુ કામ કર્યુ છે જેથી અન્ય સાસુઓને પણ પ્રેરણા મળશે. કિડની ટ્રાન્સપ્લાન્ટ 13 જૂનના રોજ અમદાવાદાની એપોલો હોસ્પિટલમાં થયુંહતું. 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ શાંતિ દેવી પોતાના ઘરે આવી ગઈ છે. અને હવે તે સ્વસ્થ છે. આશા પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે પરંતુ તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. એપોલો હોસ્પિટલના ડોક્ટરે કહ્યુ કે તેમને હજુ સુધી 410 કિડની ટ્રાન્સપ્લાન કરી છે પરંતુ આ પહેલો કેસ એવો છે જેમાં સાસુએ પોતાની વહુને કિડનીનું દાન કર્યું હોય.
 
નંદકિશોર ભૂતડા મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી છે. તેઓ કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નંદકિશોર તથા આશાના લગ્ન 2001માં થયા હતાં. લગ્નના પાંચ વર્ષ પછી આશાને ખબર પડી કે તેની એક કિડની ખરાબ થઈ ગઈ છે. સારવાર કરાવવાથી કોઈ ફાયદો થયો નહોતો. અને ચાર મહિના અગાઉ જ કિડનીમાં ઈન્ફેક્શન થવાથી બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી
 
શાંતિ દેવીને ત્રણ દીકરા અને ચાર દીકરી છે. બધાના લગ્ન થઈ ચુક્યા છે. ત્યારે વહુને કિડની આપવાની માંના નિર્ણયનું દરેકે સન્માન કર્યું હતું. શાંતિ દેવીએ કહ્યું કે વહુની પીડા મારાથી જોઈ શકાતી નહોતી. હું વહુને દીકરી સમજું છું. મેં તો મારી જીંદગી જીવી નાખી છે.પરંતુ આશાએ પોતાના 13 વર્ષના દીકરાને મોટો કરવાનો છે. વહુએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી સાસુ મને કિડની આપીને નવું જીવન આપશે.
 
ડોક્ટરોએ આશાની કિડની ટ્રાન્સપ્લાંટ કરવાની સલાહ આપી હતી. પતિ નંદકિશોરને ડાયાબિટીઝ છે. જેથી તેઓ કિડની ન આપી શક્યા. અમુક અન્ય લોકોને પણ કિડની આપવા અંગે વાત કરી પણ કોઈ તૈયાર નહોતું. વહુના જીવનને જોખમ હોવાનું જાણીને સાસુએ પોતાની એક કિડની આપવાનો નિર્ણય લીધો હતો. જ્યારે વહુને પોતાની કિડની આપવા અંગે નંદકિશોરને વાત કરી તો તેઓ ચોંકી ગયા હતા. પરંતુ તેમની પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો પણ નહોતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.