રિવરફ્રન્ટ પર 43 સીસીટીવી કેમેરા સમ ખાવા પૂરતો માત્ર એક કેમેરા ચાલુ

અમદાવાદ: વધી રહેલી ગુનાખોરી પર અંકુશ લગાવવા માટે શહેરના વધુ ને વધુ વિસ્તારને સીસીટીવી કેમેરા સર્વેલન્સ હેઠળ આવરી લેવાનો પ્રયાસ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઇ રહ્યાે છે તો બીજી બાજુ જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેની પણ જાળવણી યોગ્ય રીતે કરવામાં આવતી નહીં હોવાનું પણ સામે આવ્યું છે.

ગુનાખોરી પર લગામ લાવવા માટે સીસીટીવી કેમેરા તો લગાવી દીધા, પરંતુ તેની હાલત માત્ર શો‌િપસ જેવી થઇ ગઇ છે. સાબરમતી રિવરફ્રન્ટના માત્ર પશ્ચિમ કિનારા પર ૪3 સીસીટીવી કેમેરા લગાવેલા છે, જે પૈકી ૪ર કેમેરા બંધ છે અને એક કેમેરા ચાલુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇ-ગવર્નન્સ વિભાગ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદમાં ૧પ૦૦ લોકેશન પર ૬ર૪૦ સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ છે, જે અંતર્ગત મોટા ભાગની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

જૂના વાડજથી પાલડી વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટ ટ્રેક ઉપર પણ ૪3 સીસીટીવી કેમેરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલાં લગાવવામાં આવ્યા હતા, જે હાલ શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. રિવરફ્રન્ટ પર લગાવેલા ૪૩ કેમેરા પૈકી ૪ર કેમેરા છેલ્લા એક વર્ષથી બંધ છે જ્યારે વલ્લભસદન સર્કલ પાસે લગાવેલો એક જ કેમેરા ચાલુ છે.

શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ રોકવા તેમજ ટ્રાફિક ભંગ કરનાર લોકો સામે લાલ આંખ કરવા માટે શહેર પોલીસે દરેક જંક્શન પર હાઇ ડેફિનેશન અને નાઇટ વિઝનના સીસીટીવી કેમેરા લગાવેલા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ રોડ, હોસ્પિટલ અને જાહેર જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

રિવરફ્રન્ટ રોડ પર દિવસે ને દિવસે ટ્રાફિકની અવરજવરમાં વધારો થઇ રહ્યો છે. હજારો મુલાકાતીઓ દિવસભર રિવરફ્રન્ટની મુલાકાતે આવે છે. તદુપરાંત રાજ્ય સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સંસ્થાઓ દ્વારા અનેક મોટી મોટી ઇવેન્ટનું પણ આયોજન રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવે છે.

રિવરફ્રન્ટ જેવા ટ્રાફિકથી ભરચક રોડ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે, પરંતુ તે ચાલી રહ્યા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે.

સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ. સિંઘે જણાવ્યું છે કે રિવરફ્રન્ટ ઉપર ૪3 સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેમાં ૪ર કેમેરા બંધ છે, તેને ચાલુ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે કેમેરા જ્યારે ચાલુ હતા ત્યારે પણ તેનું રેકો‌િર્ડંગ થતું નહીં.

આ સિવાય આ કેમેરા હાઇ ડેફિનેશનના નહીં હોવાથી કોઇ પણ વાહન રોડ ઉપરથી પસાર થતું હોય ત્યારે તેની નંબર પ્લેટ પણ જોઇ શકાતી નથી. જૂના વાડજથી પાલડી રિવરફ્રન્ટ રોડ પર ૧૦ એન્ટ્રી પોઇન્ટ છે ત્યાં પણ કેમેરા નથી લગાવ્યા. આ સિવાય કોઇ પણ જગ્યાએ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા નથી.

રિવરફ્રન્ટ પર અકસ્માત અને વાહનચોરીની ફરિયાદો પણ થાય છે, પરંતુ સીસીટીવી ફૂટેજ નહીં હોવાથી પોલીસને મુશ્કેલીઓ ઊભી થાય છે.

રિવરફ્રન્ટ પર CCTV કેમેરા ચાલુ કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને દસ કરતાં વધુ વખત પત્ર લખાયો છે, પરંતુ હજુ સુધી સીસીટીવી કેમેરા ચાલુ થયા નથી. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની લડાઇ વચ્ચે છેલ્લા એક વર્ષથી સીસીટીવી કેમેરા બંધ છે.

ઇ-ગવર્નન્સ પ્રોજેક્ટ અંતર્ગત ઘણા સમયથી ડફનાળાથી આંબેડકરબ્રિજ સુધીના ૭ કિલોમીટરના રોડ પર આવતા ૧૭ એન્ટ્રી પોઇન્ટ અને સર્કલ પર હાઇ ડેફિનેશન અને નાઇટ વિઝન ૧૦ર સીસીટીવી કેમેરા લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રિવરફ્રન્ટ (પશ્ચિમ)માં લગાવેલા કેમેરા એક વર્ષથી બંધ છે અને પૂર્વમાં નવા કેમેરા લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના જનરલ મેનેજર દીપક પટેલે આ અંગે કોઈ માહિતી નહીં હોવાનું જણાવી તપાસ કરવાનું કહ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.