લાખણીના ગણાતા ગામે માતાજીના મંદિરમાં અંદાજે એક લાખની ચોરીથી ફફડાટ

ગણાતા
લાખણી તાલુકાના ગણાતા ગામે રાતના સુમારે વાઘેલા પરિવારની કુળદેવી ક્ષેમંકરી માતાજીના મંદિરને નિશાન બનાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો માતાજીની સોનાની નાકની નથડી અને દાનપેટીમાં પડેલી રોકડ મળી અંદાજે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી જતા શ્રધ્ધાળુ પ્રજાની આસ્થા ઘવાઈ છે.
    શિયાળાની ઠંડીનો ચમકારો વર્તાવા લાગતા જ આયુધો સજાવીને બેઠેલા તસ્કરો મેદાનમાં આવી ગયા છે તસ્કરોને પણ જાણે મંદી અને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું હોય તેમ તેઓ આસ્થા સ્થાનક સમાં મંદિરોને પણ છોડતા નથી ત્યારે ગત મંગળવારની રાત્રે ઠંડીના ચમકારાનો ભરપૂર લાભ ઉઠાવતા અજાણ્યા તસ્કરો ગણતા ગામના વાઘેલા પરિવારની કુળદેવી ક્ષેમંકરી માતાજીના મંદિરે ત્રાટકયા હતા અને માતાજીના નાકે પહેરાવાયેલ સોનાની નથડી ચોરી દાનપેટીમાં પડેલ રકમ પણ સેરવી લઈ રાતના અંધારામાં પલાયન થઈ ગયા હતા. માતાજીના મંદીરની એક વર્ષ અગાઉ ધામધૂમથી પ્રતિષ્ઠા કરાઈ હતી જેની બે દિવસમાં સાલગીરી ઉજવાનાર હતી પણ તે પૂર્વે તસ્કરો મંદિરમાં હાથફેરો કરી ગયા હતા.વહેલી સવારે ચોરીની જાણ થતાં વાઘેલા પરિવાર સાથે ગામલોકો પણ મંદિરે ઉમટી પડ્યા હતા અને મંદિરોને પણ ન છોડતા તસ્કરો ઉપર ફિટકાર વરસાવ્યો હતો. બાદમાં વાઘેલા પરિવારે થરાદ પોલીસ મથકે સોનાની નથડી (અંદાજે કિ.૧૦,૦૦૦ )તથા દાનપેટીમાં પડેલ અંદાજે ૮૦ થી ૯૦,૦૦૦ ની રોકડની ચોરીની અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. શિયાળાના આરંભે જ તસ્કરોના તરખાટથી ગ્રામજનો ફફડી ઉઠ્યા છે.
ગણાતા ગામે માતાજીના મંદિરમાં માતબર રકમની ચોરીથી પણ ન ધાપેલાં તસ્કરોએ ગોગ મહારાજના મંદિરને પણ નિશાન બનાવી ચાંદીનું પારણું ચોરી ગયા હતા. મહિના અગાઉ પણ મેલડી માતાના મંદિરમાંથી સોનાની બે નથ ચોરાઈ હતી.મતલબ મંદિરો તસ્કરો માટે 'સોફ્ટ ટાર્ગેટ' બન્યા છે ત્યારે પોલીસ રાત્રી પેટ્રોલિંગ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
                                                                                                                                                                                      તસ્વીર અહેવાલ : મુકેશ સોની
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.