રેલ્વેની આડોડાઈથી ડીસા તાલુકાના ત્રણ ગામો નર્મદાના નીરથી વંચિત

  ડીસા : ડીસા સહિત જિલ્લામાં સતત બીજા વર્ષે અપૂરતો વરસાદ થયો છે તેથી ખેતીને બચાવવા સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી નાખવામાં આવ્યું છે પરંતુ રેઢિયાળ રેલવે તંત્રની આડોડાઈના કારણે ડીસા તાલુકાના ગઝનીપુર, મૂડેઠા અને બુકોલી ગામના ખેડૂતો નર્મદાના નીરથી વંચિત રહી ગયા છે જેને લઈ ખેડૂતોમાં ભારે ઉહાપોહ છવાયો છે.
ડીસા સહિત જિલ્લામાં સતત બીજા વર્ષે નહીવત વરસાદ થયો છે તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થતા એકમાત્ર ખેતીના વ્યવસાય ઉપર પણ આફતોના ઓળા ઉતરી આવ્યા છે તેમછતાં ખમતીધર ખેડૂતોએ આ વર્ષે સારા વરસાદની આશાએ મોંઘા બિયારણ- ખાતર ઉધારમાં લાવી ચોમાસુ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ ન થતા વાવેતર મુરઝાવા લાગ્યું હતું જે બાબતે ખેડૂતોની લાગણીને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા કાંકરેજ તાલુકાના ખોડલા-રામપુરા ગામના ચેકડેમમાંથી પાઈપલાઈન મારફત કાચી સુજલામ સુફલામ નહેરમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે તેથી  વાવેતરને જીવતદાન મળવા સાથે ભૂગર્ભ જળ પણ ઊંચકાવાની આશાએ ખેડૂતોમાં ખુશાલી છવાઈ છે.પરંતુ ગઝનીપુર, મુડેઠા અને બુકોલી ગામમાંથી આ કેનાલ પસાર થતી હોવા છતાં ખેડૂતો નર્મદાના નીરથી વંચિત રહી ગયા છે કારણ રેલવે દ્વારા ભીલડી- પાટણ લાઇનના કામ વખતે કેનાલમાં માટી પુરી હંગામી ધોરણે રસ્તો બનાવાયો હતો.જે કામ ક્યારનું પૂરું થઈ ગયું છે અને લાઈન ઉપર ટ્રેનો પણ દોડવા લાગી છે તેમજ હવે ચોમાસુ ઉતરવાના આરે છે તેમછતાં કુંભકર્ણની ઘોર નિંદ્રામાં પોઢતા રેલવે તંત્રે હજુ સુધી કેનાલમાંથી માટી હટાવવાની તસ્દી લીધી નથી. જેથી ગતિશીલ ગુજરાતના જાહેરમાં ધજાગરા ઉડે છે જ્યારે નઘરોળ તંત્રના પાપે ખેડૂતો પાણી માટે ટળવળે છે.જેથી વાવેતર બળી જતા દેવામાં ડૂબેલા ખેડૂતોના ચોમેર ડુસકા સાંભળવા મળી રહ્યા છે....!!ઘર આંગણે પાણી આવ્યું હોવા છતાં જગતના તાત ગણાતા ખેડૂતોને રાતા પાણીએ રોવરાવનાર તંત્રની અક્ષમ્ય લાપરવાહી સામે જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ દાખલા રૂપ કાર્યવાહી કરે તેમ કુદરત બાદ તંત્રના પ્રહારથી લાચાર બનેલા ખેડૂતો ઝંખે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.