વડોદરાના ગેંડીગેટ રોડ પર ત્રણમાળનું મકાન ધરાશયી, બાળકીનો બચાવ, 1નું મોત

વડોદરા: શહેરના માંડવી-ગેંડીગેટ રોડ ઉપર આવેલી ચિત્તેખાનની ગલી પાસે ફકરી મોહોલ્લા નં-2માં આવેલું 50 વર્ષ જુનું ત્રણમાળનું જર્જરીત મકાન મધરાત્રે ધડાકા સાથએ ધરાશયી થઈ ગયું હતું. આ ઘટનામાં નિંદ્રાધિન 5 વ્યક્તિઓ દબાયા હતા. જેમાં પરિવારના મોભીનું મોત નીપજ્યું હતું. જ્યારે 9 માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.
 
પ્રાપ્ત વિગત અનુસાર ચિત્તેખાનની ગલીમાં ત્રણ મજલી મકાનમાં પરિવાર સાથે રહેતા બદરૂદ્દીન કૂવાવાલાનું મકાન શુક્રવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે તૂટી પડ્યું હતું. જેમાં નિંદ્રાધિન ઘરના મોભી બદરૂદ્દીન કૂવાવાલા (ઉં.વ.58), જહેરાબાનું (ઉં.વ.46), સમીરાબાનું (ઉં.વ.27), સમીનાબાનું (ઉં.વ.18) અને 9 માસની ઝોયા કાટમાળ નીચે દબાઇ ગયા હતા.
 
મકાન ધડાકા સાથે તૂટતાની સાથેજ ચિત્તેખાન ગલીના નિંદ્રાધિન લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા હતા. અને ઘરની બહાર દોડી આવ્યા હતા. અને તૂટી પડેલા મકાન પાસે પહોંચી ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી દીધી હતી. આ સાથે સ્નાનિક લોકોએ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં મકાનના કાટમાળ નીચે દબાયેલા પરિવારજનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં ત્રણ મહિલાઓ જહેરાબાનું, સમીરાબાનું અને સમીનાબાનુંને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
 
દરમિયાન ગણતરીની મનિટોમાં દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરતજ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, ત્રણ મજલી મકાન જમીનદોસ્ત થઇ ગયું હોવાથી ફાયર બ્રિગેડે વધુ બે ટીમ સ્થળ પર બોલાવી લીધી હતી. અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના 45 લાશ્કરો દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું.
 
ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કામગીરી કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા પરિવારની માહિતી મેળવી હતી. આ માહિતી મેળવવા માટે એકોસ્ટીક ડીવાઇસ અને થર્મલ ઇમેજિંગ કેમેરાની મદદ લીધી હતી. માહિતી મેળવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું.
 
રેસ્ક્યુ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા મકાન માલિક બદરૂદ્દીન કૂવાવાલા અને 9 માસની બાળકી ઝોયાને બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં બદરૂદ્દીનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનામાં 9 માસની ઝોયાનો આબાદ બચાવ થયો હતો. પરિવારની 3 મહિલાઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ રેસ્ક્યુમાં વીજ કંપની, કોર્પોરેશનની ગેસ વિભાગની ટીમ, 2 જે.સી.બી., 2 ડમ્પર તેમજ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં વ્યવસ્થા જાળવવા માટે સીટી પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.