હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી ભડકો : કાંકણોલ-૨ બેઠકના સદસ્યએ રાજીનામુ ધરી દીધું

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર : સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેમ અનેક વિવાદો વચ્ચે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાંથી સત્તા હાથમાં સરકી રહી છે ત્યારે હિંમતનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના કાંકણોલ-ર બેઠકના ચૂંટાયેલા સદસ્યએ નારાજગી દર્શાવી રાજીનામુ ધરી દેતા તાલુકા પંચાયતના રાજકારણમાં ફરી ભકડો થયો છે. તાજેતરમાં જ કોંગ્રેસના બે સભ્યો પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠર્યા હતા તો સોમવારે બીજી તરફ કોંગ્રેસે તાલુકા પંચાયતના પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તેવા જ સમય તાલુકા પંચાયતની સવગઢ-ર બેઠક પરથી ચૂંટાયેલા એક સદસ્યનું સોમવારે આકસ્મિક નિધન થયુ હતું. આમ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ફરી લઘુમતિમાં આવી ગઇ છે અને કોંગ્રેસનું સંખ્યાબળ ૧૨માં સમેટાયું છે.
આ અંગેની વિગત એવી છે કે હિંમતનગર તાલુકા પંચાયતમાં થોડાક દિવસ અગાઉ કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે સામાન્ય સભા દરમિયાન જ વિવાદ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના બે સભ્યોને વિકાસ કમિશ્નરે પક્ષાંતરધારા હેઠળ ગેરલાયક ઠેરવ્યા હતા તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ સભ્યોની સહીથી અન્ય સભ્યોને વિશ્વાસમાં લઇ કોંગ્રેસના વિપક્ષી નેતા હરેશભાઇ પ્રજાપતિએ તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ (ભાજપ) વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેનો કોઇ નિવેડો મંગળવાર સુધી આવ્યો નથી. તો બીજી તરફ સોમવારે તાલુકા પંચાયતની સવગઢ-ર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સદસ્ય અતિકુરભાઇ રેવાસીયાનું આકસ્મિક નિધન થતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ ૧૩ થયુ હતું. અધુરામાં પુરૂ કોંગ્રેસના કાંકણોલ-ર બેઠક પરથી ચૂંટાયેલ અંકિતકુમાર પુરૂષોત્તમભાઇ પટેલે કોંગ્રેસની કાર્યરીતિથી નારાજ થઇને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલને સદસ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર સોંપ્યો છે. જેના લીધે કોંગ્રેસની છાવણીમાં હતાશાનું મોજુ ફરી વળ્યુ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, હા મને કોંગ્રેસના સદસ્ય અંકિતકુમાર પટેલે સદસ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર સુપ્રત કર્યો છે.
હવે જોવાનું એ રહે છે કે હિંમતનગર તાલુકા પંચાયતમાં તા.૨૫ ફેબ્રુઆરીથી કોંગ્રેસના સભ્યોની સંખ્યામાં ઘટાડો થયો છે ત્યારે પ્રમુખ સામે રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે નિયમ મુજબ કયારે અને કેવી રીતે કેવી કાર્યવાહી કરાશે તે જોવાનું રહ્યુ. હાલ તો તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપને ટૂંક સમય માટે મોકળુ મેદાન મળી ગયુ છે. જેનો ભાજપ કેવો લાભ ઉઠાવી અને પ્રજાકીય કામો કરશે તે જોવાનું રહેશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.