મિત્રની સ્વરૂપવાન પત્નીને પ્રેમજાળમાં ફસાવી સંબંધ બોજારૂપ લાગતાં હત્યા કરી

નડિયાદ: ગળતેશ્વર તાલુકાના થર્મલ ગામમાં મુસ્લિમ યુવક અને મિત્રની પત્ની વચ્ચેના આડાસંબંધમાં થયેલી હત્યાના કેસમાં નડિયાદની સેશન્સ કોર્ટે આરોપી યુવકને આજીવન કેદની સજા ફટકારી છે. યુવકે મિત્રની જ પત્નીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવકની સગાઇ થતાં મિત્રની પત્ની એવી પ્રેમિકાએ વિરોધ કર્યો હતો. આથી, લગ્નજીવનમાં આડખીલીરૂપ બને તે પહેલાં જ યુવકે તેના ઘરે જઇ તેનું ગળું દબાવી નિર્મમ હત્યા કરી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જાન્યુઆરીમાં બનેલી આ ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી હતી.
 
થર્મલ પાવર સ્ટેશન રોડ ઉપર, વૃંદાવન સોસાયટીમાં રહેતા અજાયબસિંહ નિર્મલસિંહ ગીલની પત્ની કુલવિન્દર કૌરને પતિના મિત્ર સાહિનઅહેમદ પઠાણ સાથે પ્રેમસંબંધ હતો. સાહિનની સગાઇ થતાં કુલવિન્દર ઝઘડો કરતી હતી. આથી સાહીને 9 જાન્યુઆરીએ તેની હત્યા કરી હતી. સોમવારે નડિયાદના એડિ. સેસન્સ જજ વી.ડી.પરમારની કોર્ટમાં સરકારી વકીલ તરફે ઉમેશ એ.ઢગટ તથા વીથ પ્રોસિક્યુશન વકીલ કેતન પી.પટેલના પુરાવા અને દલીલોને પગલે કોર્ટે આરોપીને આજીવન કેદ તથા રૂ.6000નો દંડની સજા ફટકારી હતી.
 
અજાયબસિંહ નિર્મલસિંહ ગીલ પત્નિને લઇને હોસ્પિટલ ગયા બાદ, ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત ઘોષિત કર્યા બાદ પોલીસ અને કાર્યવાહીમાં વાર લાગશે અને ટ્યૂશન ગયેલી દિકરી છુટી જશે તે વિચારીને અજાયબસિંહે પત્નીની હત્યા કરનાર મિત્ર સાહીનઅહેમદને જ દીકરીને ટ્યુશનથી લઇ પોતાના ઘરે લઇ જવા કહ્યું હતું. આરોપી ઉપર જ વિશ્વાસ રાખીને તેને માસુમ દીકરી પણ સોંપી દીધી હતી.
 
પ્રાથમિક તપાસમાં જ પોલીસે એફએસએલની મદદ લીધી હતી. અધિકારી ડી.સી.પટેલે પંખાને જોઇને જ કહી દીધું હતું કે આ મામલો આત્મહત્યાનો નથી. આ મામલે તેઓએ જણાવ્યું હતું કે, પંખા ઉપર ચોંટેલી ધૂળ અને બાવા યથાવત હતા, જો આપઘાત કર્યો હોય તો એ ધુળમાં નિશાન જોવા મળતાં, જોકે કોઇ નિશાન ન હોઇ, મૃતક પંખા ઉપર લટક્યા જ ન હોવાનું પુરવાર થતું હતું. પ્રથમ નજરે જ આ મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવાનો રિપોર્ટ એફએસએલ એ આપ્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.