દાંતામાં કરંટ લાગવાથી રીંછનું મોત થયાનો ઘટસ્ફોટ : બે આરોપી ઝબ્બે

ડીસા : દાંતા તાલુકાના ગામે ગત દિવસોએ જમીનમા દાટી દીધેલું રીંછ મૃત હાલતમાં મળી આવ્યા બાદ ચકચાર મચી ગઇ હતી. આથી બનાસકાંઠા વનવિભાગ દ્રારા એક તરફ પોસ્ટમોર્ટમ તો બીજી તરફ આરોપીઓ શોધવા દોડધામ થઇ હતી. જેમાં રીંછનું મોત ખેતરમાં કરંટ લાગવાને કારણે થયુ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યુ છે. જ્યારે જે સ્થળેથી રીંછનો મૃતદેહ મળી આવ્યો તે સંબંધિત ખેતરમાલિકોને આરોપી તરીકે ઝડપી કોર્ટમાં હાજર કર્યા છે.
દાંતા તાલુકાના જોરાપુરા ગામે રીંછનો મૃતદેહ મળી આવ્યા બાદ મોતના કારણમાં ઘટસ્ફોટ થયો છે. દાંતા પુર્વના વન અધિકારીએ જણાવ્યુ હતુ કે, રીંછ અચાનક સ્થાનિક ખેડુતના ખેતર નજીકથી પસાર થતાં પાક રક્ષણ માટે લાગેલ તારને અડકી ગયુ હતુ. આથી વિજ કરંટ લાગતા રીંછનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. જોકે રીંછને જમીનમાં દાટી દીધુ હોવા સામે ખેતર સંબંધિત બે આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે. બનાસકાંઠા વનવિભાગે રીંછના મોત સામે તપાસ કાર્યવાહીના ભાગરૂપે જોરાપુરા ગામના જ કલસિંહ ગોબરસિંહ ચૌહાણ અને દલપતસિંહ ગોબરસિંહ ચૌહાણની અટકાયત કરી છે. બંને ભાઇઓને દાંતા કોર્ટમાં હાજર કરી રીંછના મોત મામલે રીપોર્ટ તૈયાર કર્યો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, કરંટથી રીંછનું મોત થયા બાદ વનવિભાગની સંભવિત્ કાર્યવાહીથી બચવા રીંછના મૃતદેહને જમીનમાં દાટી દીધો હોવાનું મનાય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.