ગીરમાં 10 દિવસમાં એક જ રેન્જમાં 11 સિંહોનાં મોત, વિસ્તારમાં ખળભળાટ

ગીરના જંગલમાં સિંહોની સતામણીના ભયાવહ ઘટનાક્રમને ઓપરેશન જંગલરાજ થકી સંદેશ ન્યુઝ દ્વારા ખૂલ્લા પાડવામાં આવ્યા બાદ હવે વધુ એક વખત ગીરમાં વનરાજો ઉપર બિહામણી ઘાત હોવાનું બહાર આવી રહ્યું છે. ગીરમાં ધારી નજીકની એક જ દલખાણીયા રેન્જમાં ૧૦ દિવસમાં ૧૧ સિંહોના મોતથી ખળભળાટ મચી ગયો છે. સિંહોના જતનમાં સરિયામ નિષ્ફળ જંગલખાતાની ક્રૂરતા તો જૂઓ કે ધારી વન અધિકારી સહિતના ટોચના અફસરો સત્ય જાહેર કરવાને બદલે મોઢા સીવીને રહસ્યને વધુ ઘેરૂ બનાવી રહ્યાં છે.
 
અહીં સરસીયા વીડીમાં વસવાટ કરતું સિંહોનું એક ગ્રુપ આંખે-આખું મોતને ભેટયું હોય તેવી વાતે સિંહપ્રેમીઓને હચમચાવી દીધા છે. એકીસાથે ચાર સિંહના મૃતદેહ મળ્યાની ઘટના બાદ વનવિભાગે મોડે મોડે પણ એવી કબૂલાત કરી છે કે પાછલા ૧૦ દિવસમાં કુલ ૧૧ સિંહોના મોત થયા છે.
 
અમરેલી જિલ્લામાં આવતા ધારી ગીર પૂર્વેની આ ઘટના છે. અહીં દલખાણીયા રેન્જમાં સરસીયા વીડીમાં પૂર્વ અને પશ્ચિમ એમ બે વીડી આવેલી છે. આ બંને વિસ્તારમાં સિંહોનું એક ગ્રુપ વસવાટ કરી રહ્યું છે. વાત ત્યારે બહાર આવી જ્યારે ચાર દિવસમાં ચાર-ચાર સિંહોના મૃતદેહ વનવિભાગને કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં બે દિવસ પહેલા એક સિંહનો અને ગઈકાલે એકી સાથે ત્રણ સિંહનો મૃતદેહ સરસીયા વિસ્તારમાંથી મળ્યો હતો. જે ચાર સિંહોમાં પાંચ વર્ષના એક સિંહ, સાત વર્ષની એક સિંહણ, અને દોઢ અને અઢી વર્ષના બે પાઠડા સિંહનો સમાવેશ થાય છે. આ મામલો બહાર ન જાય તે માટે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓએ તાબડતોબ સિંહોના મૃતદેહને સ્થળ ઉપર જ પેનલ પીએમ કરાવીને ચારેયને અગ્નિદાહ આપી દીધો હતો. અને આ સિંહોના મોત ફ્ફ્સાની બીમારીના કારણે થયાનું ગાણું ગાઈને ૧૫ દિવસ બાદ પીએમ રિપોર્ટમાં સાચું કારણ બહાર આવશે તેવું રટણ ચાલુ કર્યું હતું. ફ્ફ્સાના લીવરના લક્ષણોના નમૂના લઈને જૂનાગઢ વેટરનરી ખાતે તપાસાર્થે મોકલ્યા છે.
 
બીજી તરફ આ મામલે ધારી ગીર પૂર્વેના ડીએફઓ અને આરએફઓના નિવેદનો વિરોધાભાસી જોવા મળ્યા હતા, સિંહોમાં મૂર્તદેહ મામલે ડીએફઓ ત્રણના મોત અને આરએફઓ ચાર સિંહના મોત થયાનું કહી રહ્યા છે. તેનાથી પણ ભારે ચર્ચા જાગી છે.
 
હાલ તો બંને અધિકારીએ મૌન ધારણ કરી વધુ કહેવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ દલખાણીયા રેન્જના ઇન્ચાર્જ એસીએફ વિજય ચૌધરીએ એવું જણાવ્યું હતું કે પાછલા ૧૦ દિવસમાં કુલ ૧૧ સિંહના મોત થયા છે. જેમાં ત્રણ સિંહબાળનું ઇન્ફઇટમાં અને ત્રણ સિંહ બાળનું સારવાર હેઠળ મોત થયું છે. જ્યારે એક વણઓળખાયેલી ડેડબોડી મળી હતી, જે કહેવું મુશ્કેલ હતું કે તે સિંહ હતો કે સિંહણ અને હાલ મળેલા ચાર સિંહના મૃતદેહ મળીનેકુલ ૧૧ના મોત થયા છે.
 
કહેવાય છે કે જે રીતે સિંહોના મૃતદેહ મળી રહ્યા છે, તેમાં કોઈ ભેદી રોગ લાગુ પડયો હોવાની સંભાવના છે. કારણ કે આ ચાર સિંહોના જે વિસ્તારમાં મોત થયા છે, તેની નજીક આવેલી હડાળા રેન્જમાં પણ એક માસ પહેલા બે સિંહોના મૃતદેહ મળી આવ્યા હતા. તે સમયે એવી વાત હતી કે સિંહોને આંખમાંથી પાણી પડવાથી મોત નીપજી રહ્યા છે, તો આ ભેદી બીમારી આ ચાર સિંહો અથવા તેના ગ્રુપને લાગુ પડી હશે તેવી ચર્ચા છે.
 
ગીરના જંગલમાં વર્ષ ર૦૧૬-૧૭ના બે વર્ષમાં ૧૮૪ સિંહોના મોત થતાં વિશ્વભરમાં ચર્ચા જન્મી હતી. આટલા સિંહોના મોત બાબતે કોર્ટે સરકારને નોટીસ ફટકારી ખૂલાસો માગેલો. સૌથી આઘાતજનક બાબત એ છે કે ૩ર સિંહોના મોત તો અકુદરતી રીતે થયેલા છે.
 
હડાળા રેન્જમા એક માસ અગાઉ બે માદા સિંહણોના મોત થયા હતા. સતાવાર સુત્રોના મતે એક સિંહણ બચ્ચાને જન્મ આપતી વખતે જ મૃત્યુ પામી હતી, જયારે બીજી વૃધ્ધાવસ્થાથી મોતને ભેટી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.