હાઇકોર્ટના આદેશથી જુનાડીસા હાઇવે ઉપરના દબાણો હટાવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસાઃ ડીસા તાલુકાના જુનાડીસા ગામે હાઇવે ઉપર આખરે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલા તંત્રે નામદાર હાઇકોર્ટના આદેશથી બિનધિકૃત વિવાદાસ્પદ દબાણો ઉપર જેસીબી ફેરવી દીધું હતું. તંત્રની કાર્યવાહીના પગલે ગામમાં ઉત્તેજનાનો માહોલ છવાયો છે.જુનાડીસા ગામે વિકાસની હરણફાળ ભરતા હાઇવે વિસ્તારમાં દબાણની બદીએ માઝા મૂકી છે તેમાં પણ શ્રી સરકાર હસ્તકની સર્વે નં. ૧૧૫૩ પૈકીની કરોડો રૂપિયાની જમીન પણ દબાણમાં ગરકાવ થઈ ગઈ છે જેમાં કાચી પાકી દુકાનો સહિત કોમ્પ્લેક્સ પણ ઉભા થઇ ગયા છે જેના કારણે હાઇવે રોડ પણ સાંકડો બની ગયો છે.  જે બિનધિકૃત દબાણો હટાવવા જાગૃત ગામલોકોની ૨૫૭ અરજીઓ ઉચ્ચ સ્તરે થવા પામી હતી. તેમાં પણ ગામના કલ્પેશકુમાર હરગોવનભાઈ સુથારે પોતાના દાદાને સને ૧૯૮૩ માં પંચાયતે ઔદ્યોગિક હેતુ માટે આપેલ ૧૫૦ ટ ૧૦૦ ચો. ફૂટ જમીન ઉપર દબાણને લઈ બે વખત છેક નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં તેમણે સ્થાનિક ગ્રામ પંચાયત આકારણી આપી દબાણદારોને છાવરતી હોવાના ગંભીર આક્ષેપો કરી તલાટી, ટી. ડી. ઓ., મામલતદાર અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કર્યા હતા. જેને ગંભીરતાથી લઈ  ગત ૮ જાન્યુઆરીએ નામદાર હાઇકોર્ટના વિદ્વાન જજે જિલ્લા કલેકટરને સરકારી જમીન ઉપરના તમામ દબાણો ૨૧ દિવસમાં હટાવી લેવા અન્યથા કન્ટેમ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ કલેકટરની સૂચનાથી ડીસાના ના.કલેકટરે દબાણો દૂર કરવાની હિલચાલ હાથ ધરી હતી જેથી ગામમાં ઉહાપોહ છવાયો હતો અને દબાણદારો સ્વેચ્છાએ દબાણો દૂર કરવા લાગ્યા હતા. આખરે આગોતરી જાણ મુજબ સોમવારે પોલીસ બંદોબસ્ત હેઠળ ત્રાટકેલા વહીવટી તંત્રે પ્રથમ તબક્કામાં ઢુવા રોડ ઉપરના દબાણો ઉપર જેસીબી ફેરવી દુકાનોનું દબાણ દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. દબાણ હટાવવાની કામગીરીને લઈ લોકોના ટોળેટોળા હાઇવે ઉપર ઉમટી પડ્‌યા હતા.જેને લઈ ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. જો કે દબાણો હટતા 'કહી ખુશી કહી ગમ' ના દ્રશ્યો વચ્ચે અવનવા તર્ક વિતર્કો વહેતા થતા આ મુદ્દો 'ટોક ઓફ ધી ટાઉન' બની ગયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.