02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અને બનાસકાંઠાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે રિસોર્ટમાં જાણો શું રંધાયું...?

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અને બનાસકાંઠાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે રિસોર્ટમાં જાણો શું રંધાયું...?   18/03/2019

આનંદીબેનની ઊડતી મુલાકાત શૈક્ષણિક... ધાર્મિક કે કોઈ ‘ગુપ્ત' રાજકીય એજન્ડાવાળી..?
 
‘રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતું નથી...!' આ ઉક્તિ લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે હાલ ગુજરાતમાં પૂર્ણપણે સાર્થક સાબિત થઈ રહી છે. ચૂંટણી યુદ્ધ પૂર્વે એક બાજુ 'આયારામ-ગયારામ' ની મૌસમ પુર બહારમાં ખીલી છે તો બીજી બાજુ, પોતાનું રાજકીય પલ્લું ભારે કરવા રાજકીય દિગ્ગજોની ગુપ્ત બેઠકોના દૌર પણ વધી ગયા છે.આવી પ્રવાહી સ્થિતિ વચ્ચે 'ગુપ્ત બેઠકો'ની ગતિવિધિઓ પર વોચ રાખવા લાગતા વળગતાઓએ પણ તેમના વિશ્વાસુઓને કામે લગાડી દીધા છે.આવી સ્થિતિમાં માત્ર ગુજરાત જ નહીં, રાષ્ટ્રીય રાજકારણમાં પણ ધ્રુજારી ઉપજાવે તેવા ઘટનાક્રમના અહેવાલો બનાસકાંઠામાંથી બહાર આવી રહ્યા છે. જો આ અહેવાલો સાચા હોય તો રાષ્ટ્રીય રાજકારણ માટે પણ ખૂબ મહત્વના પુરવાર થઇ રહ્યા છે.
લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે ગુજરાતની ખાનગી મુલાકાતે આવેલાં મધ્યપ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગત શનિવારે બનાસકાંઠાની ઊડતી મુલાકાત લીધી હતી. જોકે કોઈ અલગ અને ખાસ ઇરાદે જ આનંદીબેન પટેલે બનાસકાંઠાનું ઉડતું ચક્કર માર્યું હોવાની વાતો સાંભળવા મળે તો સૌ કોઈને બેશક આંચકો લાગે જ પણ આ અહેવાલો સાચા હોવાની શક્યતાઓ ખૂબ વધુ જણાઈ રહી છે.
મોટો રાજકીય કાંકરિચાળો પુરવાર થાય એવા આ ઘટનાક્રમની વિગતો કઈક એવી છે કે શનિવારે બનાસકાંઠાનાં મહેમાન બનેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાલનપુરના ચડોતર ખાતે શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અંબાજી ઉપડી જઇ દીકરી સાથે આદ્યશક્તિનાં દર્શનનો લ્હાવો લીધો હોવાના અહેવાલો બહાર આવ્યા છે.જોકે ચડોતર અને અંબાજીની આ ઊડતી મુલાકાત આનંદીબેન પટેલના કોઈ 'ગુપ્ત ઓપરેશન' ને પાયલોટિંગ આપવા જેવી પુરવાર થાય અને રાજકીય વમળો સર્જે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
લોકસભા ચૂંટણીના પગલે ગરમાગરમ બની ગયેલા બનાસકાંઠાના 'રાજકીય તવા' પર આજે એક ખટપટી આઈટમ આખો દિવસ શેકાઈ હતી. માહિતગાર સૂત્રોના દાવા પર વિશ્વાસ કરીયે તો આનંદીબેન પટેલ કોઈ શૈક્ષણિક કે ધાર્મિક નહિ પણ ગુપ્ત રાજકીય એજન્ડા સાથે શનિવારે બનાસકાંઠામાં આંટો મારવા આવ્યાં હતાં. અંબાજી જતી વખતે આ એજન્ડાએ ૪૫ મિનિટ માટે આનંદીબેનને રસ્તામાં જ રોકાણની ફરજ પણ પાડી હતી. વાત કઈક એવી છે કે શનિવારે બનાસકાંઠામાં આવેલાં આનંદીબેન પટેલે બાલારામ પેલેસ રિસોર્ટમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ઉપરાંત ભાજપથી દાઝેલા મનાતા બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ સાથે ગુપ્ત બેઠક યોજી ગુપસુપ કરી હતી. બંધ બારણે મળેલી આ બેઠક ૪૦ થી ૪૫ મિનિટ ચાલી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. બનાસકાંઠાના આ બે મોટા ગજાના દિગ્ગજોને સાગમટે પૂર્વ સીએમને બંધ બારણે મળવાની જરૂર કેમ પડી...? આ બેઠકમાં શુ રંધાયું...? આ અને આવા અનેક સવાલો ઉઠે એ ખૂબ સ્વાભાવિક છે અને આજે આખો દિવસ આ કહેવાતી ગુપ્ત મિટિંગ રાજકીય વર્તુળોમાં ચર્ચાની એરણે પણ ચડી હતી. નોંધનીય છે કે આનંદીબેન પટેલને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે બારમો ચંદ્રમાં છે એ સૌ કોઈ જાણે છે.બીજી બાજુ, હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા હરિભાઈ ચૌધરી તેમજ પરથીભાઈ ભટોળ બંને હવે કોઈ મજબૂત ગોડ ફાધર શોધી રહ્યા છે ત્યારે કદાચ બનાસકાંઠાના બે મહારથીઓએ 'બનાસકાંઠામાં તેઓ બે સિવાય કોઈ નહિ...' ના  ગોલને પાર પાડવા આનંદીબેન પટેલના પગ પકડ્‌યા હોય તેવું અનુમાન પણ વ્યક્ત થઈ રહ્યું છે.જો આ બેઠક ટીકીટ પૂરતી જ સીમિત રહી હોય તો કોઈ મોટો ઈશ્યુ નથી પરંતુ જો આ બેઠક અમિત શાહ વિરોધી ધરીને મજબૂત બનાવવાના ઇરાદે મળી હોય તો આ બેઠક રાષ્ટ્રીય સ્તરે નવા વમળો પેદા કરી શકે છે.

Tags :