300 વર્ષોથી ગબ્બર પર્વત પર મા અંબાના મંદિરની સન્મુખ અખંડ જ્યોત, 11 લાખ ભક્તોએ કર્યા દર્શન

અંબાજી: એવું વર્ષોથી કહેવાતું આવ્યું છે કે, ગબ્બર પર્વત પરની જ્યોત અને મા અંબાનું મંદિર એકબીજાની સામે જ છે. આ હકીકતને પહેલીવાર ડ્રોન કેમેરા દ્વારા એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. એવું કહેવાય છે કે, પાછલા 300 વર્ષોથી ગબ્બર પર્વત પર અખંડ જ્યોત મા અંબાના મંદિરની સન્મુખ પ્રગટતી રાખવામાં આવી છે. અંબાજી મંદિર પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાંથી એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે વર્ષોથી મંદિર અને ગબ્બર સામ સામે છે જે હકીકતમાં પણ જોવા મળે છે. અવકાશી નજારા દરમિયાન પણ જોવા મળે છે.

જગતજનની મા અંબાના ધામમાં ધોમધખતા તાપમાં પણ પદયાત્રિકો વિના વિઘ્ને માના દરબારમાં પહોંચી રહ્યા છે ત્રીજા દિવસે પોણા પાંચ લાખ ભક્તોએ પગપાળા ચાલીને મા અંબાના દર્શન કર્યા હોવાનો દાવો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ત્રણ દિવસમાં 11 લાખ ભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા હોવાનું શ્રીઆરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ધીરેધીરે મેળો જામી રહ્યો છે ત્યારે મા અંબાનુ ધામ પદયાત્રીઓથી ઊભરાઈ રહ્યું છે.

રાજભોગ 12:00
દર્શન બપોરે 12.30થી 5.00
આરતી સાંજે 7થી 7.30
દર્શન સાંજે 7.30થી 1.30

 

 
200 વર્ષથી પદયાત્રાનો અવિરત પ્રવાહ માંઅંબાના ધામમાં દર વર્ષે ભક્તિભાવપૂર્વક માના કાલાવાલા કરવા ઉમટી પડે છે. પૂનમિયા સંઘોના પ્રતિનિધિ યાજ્ઞીકભાઈ એ જણાવ્યું હતું કે "ભાદરવી પૂનમના મેળામાં અનેક સંઘો ગુજરાત રાજસ્થાન સહિતના દુર્ગમ વિસ્તારોથી પગપાળા ચાલતા આવે છે. કેટલાક સંઘો પાછલાં 50વર્ષથી નિયમિત આવે છે. દર વર્ષે નવા સંઘો ઉમેરાતા જાય છે. સંઘોમાં આવતા માઇ ભક્તોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે યાત્રાધામ અંબાજી ખાતે પણ વિશેષ તકેદારી રાખવામાં આવે છે. સંઘ લઇને આવતા માતાજીના રથોને રાખવા માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે .પૂનમિયા સંઘનું ટ્રસ્ટ બાર વર્ષ પહેલાં કલેક્ટર પીડી વાઘેલાના વખતમાં બનાવવામાં આવ્યું હતું . આજીવન રજીસ્ટ્રેશન ફી 500 રૂપિયા છે. અનેક વાહનો લઇને આવતા સંઘોને મંજૂરીના કોઇ પણ પ્રકારના પ્રશ્નો ના નડે તે માટે આ ટ્રસ્ટની રચના કરાઈ હતી.પૂનમિયા સેવા સંઘ થકી તંત્રને બહુ મોટી રાહત રહે છે.
જગતજનની મા અંબાના ધામમાં ગુજરાત ભરમાંથી માને કાલાવાલા કરવા માટે આબાલ વૃદ્ધ સૌ કોઈ અનેરા ઉત્સાહ સાથે જય અંબે બોલ મારી અંબેના ના સાથે દાંતા અંબાજીના માર્ગો ખુંદી રહી રહ્યા છે. જાહેર માર્ગ પર કચરો ન શકાય તે માટે સેનિટેશન વિભાગ દ્વારા દર કલાકે સફાઇ કરવામાં આવી રહી છે ઉપરાંત શુક્રવારે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. કલેકટરે દેવસ્થાન ટ્રસ્ટના તાબાના તમામ અધિકારીઓ સાથે બપોરે બેઠક યોજી હજી જેમાં સોશિયલ મીડિયા મારફત આવેલી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા તેમજ મેળા દરમિયાન જીજે ખામીઓ જણાય તો તે ત્વરિત સુધારી ધ્યાન દોરવા કહ્યું હતું.
અંબાજી ધામમાં હાલ જ્યાં અંબાજી મંદિર નિર્માણ પામ્યું છે ત્યાં વર્ષો અગાઉ નાગર બ્રાહ્મણ સમાજની ધર્મશાળાઓ હતી. આ ધર્મશાળાઓ ને અહીંથી ખસેડીને અન્યત્ર લઈ જવાઈ હતી. મા અંબાના મંદિર માટે જગ્યા અપાઇ હોવાથી નાગર બ્રાહ્મણોને અહીં પૂજાનો વિશેષ અધિકાર છે. મંદિરમાં અવરજવર કરવા માટે નગર બ્રાહ્મણોને નાગરમાઢમાથી પ્રવેશવાનો હક છે તેઓ માતાજીને ચાંદીના થાળમાં ભોગ ધરાવવાનો અધિકાર છે. આ અંગેની વિગતો આપતા નાગર બ્રાહ્મણ સમાજના આગેવાન અને નાગરસમાજની ધર્મશાળાના પ્રમુખ નરેશ રાજાએ જણાવ્યું હતું કે " ભાદરવી પૂનમના મેળા દરમિયાન નાગર બ્રાહ્મણોને માં અંબાની ત્રણ કલાકની રાત્રિ પૂજા માટે વિશેષ મંજૂરી દર વર્ષે અપાય છે. અને આ પૂજામાં માત્રને માત્ર નાગર બ્રાહ્મણ સમાજ જ હાજર રહે છે."
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.