શાહપુર, મીરજાપુર અને બાપુનગરમાં એએમટીએસ બસ પર પથ્થરમારો

અમદાવાદ: આજના ભારત બંધનાં એલાનના પગલે શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર ઊતરી એએમટીએસ અને બીઆરટીએસ સર્વિસને ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન શાહપુર, મીરજાપુર અને બાપુનગર ખાતે એએમટીએસની બસ ઉપર કેટલાક લોકોએ પથ્થરમારો કરતાં બસની બારીના કાચ તૂટી ગયા હતા અને મુસાફરોમાં ગભરાટ પ્રસરી ગયો હતો, જો કે આ લખાય છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની સેવા હજુ કાર્યરત છે.

એએમટીએસની રૂટ નં.૧૪૬/૧ ઉપર શાહપુર ખાતે અને રૂટ નં.૭ર પર મીરજાપુર ખાતે કેટલાંક તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરતાં આ બંને બસના બારીના કાચનો ખુરદો બોલાયો હતો.

આજે સવારના ૬થી ૭ દરમ્યાન આ પથ્થરમારો થયો હતો. જ્યારે બાપુનગર ચાર રસ્તા ખાતે રૂટ નં.પ૮ પણ તોફાની તત્ત્વો દ્વારા કરાયેલા પથ્થરમારાનો ભોગ બની હતી.

આ ઉપરાંત અનુપમ સિનેમા પાસે રૂટ નં.૭૭, શીલજના પ્રજાપતિના કૂવા પાસે રૂટ નં.પ૧, અમરાઇવાડી ખાતે રૂટ નં.૭૭, સુભાષચોક પાસે રૂટ નં.૧૩૬ એમ વિભિન્ન સ્થળો તોફાની લોકોએ એએમટીએસની બસ રોકીને તેના પૈડાંની હવા કાઢી નાખી હતી. વટવા, મણિનગરની રેલવે કોલોની, લાલ દરવાજાનું પાલિકા બજાર વગેરે જગ્યાએ ટોળાંએ મુસાફરોને બસમાંથી જબજસ્તી ઊતર્યા હતા.

એએમટીએસના ઉચ્ચ અધિકારી જિતેન્દ્ર મહેતા કહે છે કે એએમટીએસના આશરે ૧પ રૂટને ડાયવર્ટ કરાયા છે જો કે બસ સેવા રાબેતા મુજબ ચાલુ રખાઇ છે.

દરમિયાન દાણીલીમડા ખાતે સવારે ૯-૩૦ વાગે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ વગેરે નેતા તેમજ કાર્યકરોએ બીઆરટીએસ બસ સેવાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા મણિનગર થી આરટીઓના રૂટને સ્થગિત કરાયો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.