02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / ચાણસ્માના ગોગા મહારાજના મંદિરે આગામી નાગપંચમીએ લોકમેળો ભરાશે

ચાણસ્માના ગોગા મહારાજના મંદિરે આગામી નાગપંચમીએ લોકમેળો ભરાશે   28/08/2018

 ચાણસ્માના ગોગા મહારાજના મંદિરે  આગામી નાગપંચમીએ લોકમેળો ભરાશે
 
 
 
 
 
 
 
ચાણસ્મા
પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળાનો પ્રારંભ થયો છે. ત્યારે આગામી શુક્રવારે નાગપંચમીનો તહેવાર ઉજવાશે. જે નિમિત્તે ચાણસ્માના જૂના રબારીવાસમાં મોજૂદ શેષનારાયણ ગોગા મહારાજના મંદિર સહિત તાલુકાના વિવિધ ગોગા મહારાજના સ્થાનકોએ નાગ પંચમીનો ભવ્ય લોકમેળો ભરાશે. જેમાં સમગ્ર વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડી દાદાને કુબેર શ્રીફળનો પ્રસાદ ધરાવી ધન્યતાની લાગણી અનુભવે છે.
ચાણસ્મા નગરની સ્થાપના સમયના એટલે કે ૧ર૦૦ વર્ષ પૂર્વ જૂના રબારી નેસડામાં શેષ નારાયણ ગોગા મહારાજની સ્થાપના કરાઈ હતી. જે મંદિરનો ગોગા બાપાના પરમ ઉપાસક જારાભાઈ દેસાઈ અને ત્યારબાદ તેમના પુત્ર અમથાભાઈ દેસાઈ દ્વારા જીર્ણોદ્ધાર કરાયો હતો. હાલમાં આરસપહાણથી મઢેલા મંદિરમાં ગોગા બાપા તેમજ દેવ-દેવીઓની નિત્ય પૂજા અર્ચના થાય છે. ગોગા બાપાના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈના જણાવ્યા મુજબ, આગામી ૩૧ ઓગસ્ટને શુક્રવારે નાગપંચમી નિમિત્તે દાદાના મંદિરે ભવ્ય લોકમેળો ભરાશે. પુજારી હસમુખપુરી ગોસ્વામીએ જણાવ્યું કે, નાગપાંચમી નિમિત્તે લઘુરૂદ્ર સવારે ૭ વાગે શરૂ થશે. જ્યારે ૧૦ વાગે વાજતે ગાજતે મંદિરે ધ્વજારોહણ કરાશે. ગોગા બાપાના દર્શને આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે ગોગા મહારાજ પરિવાર દ્ધારા ભોજનની વ્યવસ્થા કરાઈ છે. અહીં દર્શન માટે ચાણસ્મા, મોઢેરા, બહુચરાજી, પાટણ અને મહેસાણા પંથકમાંથી માલધરી સહિત અઢારેય વરણના  શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
નાગ પચમી નિમિત્તે પંથકના પ્રસિદ્ધ ગોગા સ્થાનક ધરમોડા ગામે પણ લોકમેળો ભરાય છે. તાલુકાના ધાણોધરડા, કંબોઈ, લણવા, સેઢાલ સહિતના ગામોએ પરંપરાગત મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પધારે છે.

Tags :