02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / આજે ભાજપના ઉમેદવારો જાહેર થવાની વકી ઃ કોનું નસીબ ચમકશે...?

આજે ભાજપના ઉમેદવારો જાહેર થવાની વકી ઃ કોનું નસીબ ચમકશે...?   25/03/2019

બનાસકાંઠા લોકસભા બેઠકની ટિકિટ માટે આ વખતે છેલ્લી ઘડીના રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે.આવી સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષ એક બીજાની પસંદગી જાણ્યા બાદ જ પોતાનો ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે.જોકે ભાજપ હવે વધુ વિલંબનીતિ અપનાવે તો ખોટો સંદેશ જવાની સંભાવનાના પગલે આજે સોમવારે નવી દિલ્હી ખાતે મળનારી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બનાસકાંઠા સહિત ગુજરાતની બાકીની બેઠકોના ઉમેદવારોના નામ પર પસંદગીનો કળશ ઢોળાય તેવી પુરી શક્યતાઓ વચ્ચે ભાજપના ઉમેદવારનું રહસ્ય ખુલે તેમ હોઈ બનાસકાંઠાના મતદારો પણ આજની બેઠક બાદ થનારી જાહેરાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકની ટિકિટ માટે કોનું નસીબ ચમકે છે એ જાણવું પણ એટલું જ અગત્યનું બની રહે છે.
બનાસકાંઠા અને પાટણ એમ બન્ને લોકસભા બેઠકો બન્ને પક્ષો માટે રાજકીય રીતે ખૂબ મહત્વની છે.આ બન્ને બેઠકો પર લાંબા સમયથી કમળ ખીલતું આવે છે.જોકે આ વખતે આ બન્ને વિસ્તારોમાં લોકસભાના જંગ પૂર્વે જ સમીકરણો બદલાઈ જવા સાથે પક્ષીય સ્થિતિ પણ ડામાડોળ થઈ ગઈ હોઈ લાંબા સમય બાદ આ વખતે બન્ને પક્ષોને ઉમેદવાર પસંદગીનો મામલો ઉકેલવા પણ પરસેવો પાડવાની નોબત આવી છે. જોકે હજુ કોઈ પક્ષ આ કોકડું ઉકેલી શક્યો નથી.આવી સ્થિતિમાં આજે યોજાનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં કમસેકમ ભાજપ પહેલ કરી ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ જોર પકડી રહી છે.
બનાસકાંઠા અને પાટણ બેઠકના ઉમેદવારો પસંદ કરવામાં પક્ષીય ડખાએ આ વખતે બન્ને પક્ષોને વિલંબનીતિ માટે મજબૂર કર્યા છે.આ બન્ને જિલ્લાઓમાં વસતા ઠાકોર સમાજે આજે ફરી બેઠક યોજી બન્ને પક્ષોનું નાક દબાવવાના ફરી પ્રયાસો કર્યા હતા. જે પક્ષ ઠાકોર સમાજની દાવેદારીને પ્રાધાન્ય આપે એ જ પક્ષને સમર્થન આપવાના ઠાકોર સમાજના નિર્ધારે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષની નેતાગીરીની ઊંઘ હરામ કરી દીધી છે. ભાજપ આ વખતે પણ પાટણ બેઠક ઠાકોર સમાજને આપવા રાજી જ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જોકે પાટણ બેઠક પર લડવા ભાજપના લીલાધર વાઘેલા બાદ દિલીપભાઇ ઠાકોરે પણ અનિચ્છા દર્શાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે.આ બન્ને મજબૂત દાવેદારોના પલાયનવાદ વચ્ચે જગદીશ ઠાકોરે પણ લડવાની ના પાડી દેતા કોંગ્રેસની હાલત પણ કફોડી જ બની ગઈ છે.કઈક આવી જ સ્થિતિ બનાસકાંઠામાં પણ જોવા મળી રહી છે. બનાસકાંઠામાં આ વખતે ભાજપમાંથી વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીની દાવેદારી નબળી પડી હોવાના અહેવાલો વચ્ચે શંકરભાઇ ચૌધરીએ દાવેદારી પાછી ખેંચી લીધી છે જ્યારે પરબતભાઇ પટેલ પણ મંત્રીપદુ છોડી દિલ્હી જવાના મૂડમાં નથી.બીજી બાજુ, લીલાધર વાઘેલા અને કેશાજી ચૌહાણ બન્ને બનાસકાંઠા બેઠક પર સમાજ થકી ટિકિટ માટે દબાણ લાવી રહ્યા છે. જોકે ભાજપ મોવડી મંડળની માનસિકતા જોતા પક્ષ આવા દબાણો કરનારાઓ સામે ઝૂકે એવી શક્યતા નહિવત છે ત્યારે આ વખતે ભાજપ નવો દાવ ખેલી કોઈ નવો ચહેરો ઉતારે એવી શક્યતાઓ મજબૂત બની રહી છે.લીલાધર વાઘેલા છેલ્લા ત્રણ દાયકાઓથી ચૂંટણી ટાણે આવાં ત્રાંગા કરવા ટેવાયેલા છે અને આ બાબત પક્ષના ધ્યાન બહાર પણ નથી. બીજી બાજુ કેશાજી ચૌહાણ પણ આ વખતે પાર્લામેન્ટ સુધી પહોંચવા ટિકિટ માટે એડીથી ચોંટી સુધીનું જોર લગાવી રહ્યા છે.ત્યારે જો બનાસકાંઠા બેઠક ઠાકોર સમાજને જ્યારે પાટણ બેઠક ચૌધરી, પટેલ કે અન્ય સમાજને ફાળવવાની સ્થિતિ આવે તો પણ બનાસકાંઠામાં લીલાધર વાઘેલાની દાળ ગળે એમ લાગતું નથી અને ભાજપની આવી સંભવિત મજબૂરીનો લાભ કેશાજીને જ મળે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. 
      આ વખતે પાટણ અને બનાસકાંઠા જ નહીં, મહેસાણા બેઠકના ઉમેદવાર પસંદ કરવાનો મામલો પણ માથાના દુખાવા જેવો બની રહ્યો છે.મહેસાણા બેઠક પર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલના વિકલ્પ રૂપે ઊંઝાના કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપમાં ખેંચી લવાયા છે.જોકે ટિકિટના મામલે પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોએ જ આશાબેન પટેલનો ખુલ્લો વિરોધ કરતા આ બેઠકના ઉમેદવારની પસંદગીમાં પણ ગૂંચવાડો સર્જાયો છે.કોંગ્રેસ પણ ભાજપની વધતી જતી રાજકીય મજબૂરીનો લાભ ઉઠાવવા તલપાપડ જણાઈ રહ્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના વચ્ચે ભાજપ મોવડી મંડળ જો સામાજિક દબાણ આગળ ઝૂકે તો પણ કોનું નસીબ ચમકે છે એ જોવું પણ એટલું જ રસપ્રદ બની રહેશે

Tags :