હાલોલ નજીક ભાટ ગામ પાસે કાર અકસ્માતમાં મોતને ભેટેલા 7 બાળકોનો એક સાથે જનાજા ઉઠતા બોડેલી ગામ હિબકે ચઢ્યું હતું. એક જ ગામના સાત બાળકોના મોતથી બોડેલીમાં ગમગીની છવાઇ ગઇ હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનો ખત્રી પરિવાર શનિવારે હાલોલની રહીમ કોલોનીમાં રહેતા તેમના સંબંધીને ત્યાં મળવા માટે ગયો હતો. રાત્રે જમ્યા બાદ ખત્રી પરિવાર હાલોલથી બોડેલી પરત જવા માટે નીકળ્યો હતો. હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક ભાટ ગામના પાટીયા પાસે રાત્રે પોણા બાર વાગ્યે અચાનક જ કારનું ટાયર નીકળી ગયું હતું. જેથી કાર ગ્રીલ વગરના નાળામાં ખાબકી હતી. જેમાં એક જ પરિવારના સાત બાળકોના મોત નીપજ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ બોડેલી ખાતે આજે બપોરે સાત બાળકોના જનાજા નીકળ્યા હતા. જેથી આખુ ગામ હિબકે ચડ્યું હતું.
એક જ ગામના સાત બાળકોના મોતથી ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. ગામમાં નીકળેલી અંતિમયાત્રામાં આખુ ગામ ઉમટી પડ્યું હતું.