02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં સરેરાશ માત્ર ર૧.પ૧ ટકા વરસાદ

બનાસકાંઠામાં સરેરાશ માત્ર ર૧.પ૧ ટકા વરસાદ   26/07/2018

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પણ વરસાદ થતો નથી. તેથી જુલાઈ મહિનો પૂર્ણતાના આરે હોવા છતાં હજુ સુધી સરેરાશ માત્ર ર૧.પ૧ ટકા વરસાદ થયો છે. અપૂરતા વરસાદથી અમંગળના એંધાણ વર્તાવા લાગ્યાં છે. 
રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અપૂરતો વરસાદ પડે છે પરંતુ વરસાદની ‘પેટર્ન’ બદલાતા ર૦૧પ અને ર૦૧૭ ના વર્ષમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ભૂગર્ભ જળ પુરવઠો જળવાઈ રહ્યો હતો. આ વર્ષે પણ હવામાન વિભાગે સારો વરસાદ થવાની આગાહી કરી હતી પરંતુ દાંતા (૩પ૮ મી.મી.), અમીરગઢ (ર૬પ મી.મી.), વડગામ (ર૭૪ મી.મી.) અને પાલનપુર તાલુકામાં (ર૦પ મી.મી.) વરસાદને બાદ કરતા બાકીના તાલુકામાં નહીવત વરસાદ થયો છે. તેમાં પણ રણને અડીને આવેલા વાવ (૧૬ મી.મી.), સુઈગામ (પપ મી.મી.) અને થરાદ તાલુકામાં માત્ર ૭૯ મી.મી. વરસાદ થયો છે. બાકીના કાંકરેજ (૬૪ મી.મી.), ધાનેરા (૯૧ મી.મી.) અને ડીસા તાલુકામાં પણ ૧૯૬ મી.મી. જેટલો નહીવત વરસાદ થયો છે. મેઘરાજાની જુવાની ગણાતો જુલાઈ મહિનો પૂર્ણતાના આરે છે તેમ છતાં સરેરાશ ૭૦પ.૮૯ ટકા વરસાદ થાય છે. તેની સરખામણીએ હજુ સુધી નહીવત વરસાદ થયો છે. જેની સીધી અસર ચોમાસુ વાવેતર ઉપર પડતા માત્ર ર૯૬૯૬ર હેક્ટર જમીનમાં વાવેતર થયુ છે. જે વાવેતર પણ વરસાદના અભાવે બચાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. જિલ્લાનુ અર્થતંત્ર કૃષિ ઉપર આધારિત છે પરંતુ આ વર્ષે કૃષિ ઉપર સંકટના વાદળાં છવાયા છે. જેથી અમંગળના એંધાણ વર્તાવા લાગ્યાં છે. જેના કારણે ખેડુતો સહિત આમ પ્રજા પણ ચિંતામાં ગરકાવ બની ગઈ છે.

Tags :