જામનગર ટેન્કરે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત મામા ભાણીનાં મોત

જામનગરના ખીજડિયા ગામના પરિવારના ત્રણ સભ્યો ચોટીલામાં શ્રીમંત પ્રસંગ પતાવી રાત્રીના 10 કલાકે જામનગર પરત જઇ રહ્યાં હતા. તે દરમિયાન ચોટીલા હાઇવે પર ગુંદાળા ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાન અને તેમની ભાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઇકચાલકના કાકાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવાયા હતા.
 
 
જામનગરના ખીજડીયા ગામના 25 વર્ષીય દિપક અશોકભાઈ મકવાણા તેમની 10 વર્ષીય ભાણી વિશ્વા વિપુલભાઈ મિયાત્રા અને કાકા દિલીપભાઈ ડાયાભાઇ મકવાણા સાથે મંગળવારે ચોટીલા શ્રીમંતના પ્રસંગમાં આવ્યા હતા. ચોટીલામાં રહેતા સગા રમેશભાઈ બોરીચાની દિકરીનું શ્રીમંત પ્રસંગ હોવાથી ચોટીલાથી સનાળા વનાળા શ્રીમંતના પ્રસંગમાં ગયા હતા. જેમાં ચોટીલામાં જ રહેતા દિલીપભાઇના ભત્રીજા હિરલભાઇ ત્યાં સનાળા વનાળા રોકાઇ ગયા હતા જ્યારે બાકી પરિવાર સાંજે ચોટીલા પરત આવી ગયો હતો.
 
 
દિલીપભાઇએ ભત્રીજા હિરલને ફોન પર વાત કરીને જણાવ્યું કે અમો ખીજડિયા જવા માટે નીકળીએ છીએ. અને ત્યાર બાદ બાઇક પર ભત્રીજા દિપક અને ભાણી વિશ્વા સાથે નીકળ્યા હતા તે દરમિયાન ગુંદાળા ગામના પાટીયા પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે બાઇકને ટક્કર મારતા ત્રણેય બાઇક પરથી નીચે પટકાયા હતા.
 
 
જેમાં દિપક મકવાણા અને વિશ્વાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે દિલીપભાઇને ગંભીર ઇજાઓ થતા પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. આ ઘટના અંગે જાણ થતા બામણબોર પોલીસ ઘટના સ્થળે દોડી જઇ બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તેમજ ટેન્કર ચાલકને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.