02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં સ્થાનિકને બદલે રાષ્ટ્રીય મુદ્દા ચૂંટણીમાં છવાયા, મતદાનમાં બનાસવાસીઓના ‘મૂડ’ને લઈ રાજયભરમાં ઉત્સુકતા

બનાસકાંઠામાં સ્થાનિકને બદલે રાષ્ટ્રીય મુદ્દા ચૂંટણીમાં છવાયા, મતદાનમાં બનાસવાસીઓના ‘મૂડ’ને લઈ રાજયભરમાં ઉત્સુકતા   22/04/2019

બનાસકાંઠા લોકસભા ચૂંટણીનો પ્રચાર જંગ ધોમધોખતા તાપમાં પણ પરાકાષ્ટા વટાવી ગયા બાદ હવે આવતીકાલે મંગળવારે મતદાન થનાર છે પરંતુ પ્રચારમાં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ સ્થાનિકને બદલે રાષ્ટ્રીય મુદ્દાઓને મહત્વ આપ્યું છે. જિલ્લામાં સ્થાનિક પડતર પ્રશ્નોની વણઝાર છે. તેને મહત્વ ન અપાતા નારાજ બનાસવાસીઓ આ વખતે પણ અણધાર્યો ચૂકાદો મતદાનમાં આપશે. તે નક્કી છે તેથી મતદાન પૂર્વે જ મત ગણતરીને લઈ અત્યારથી જ ઉત્સુકતા છવાઈ છે.
ર - બનાસકાંઠા લોકસભા બેઠકમાં ફરી ભાજપ અને કોંગ્રેસે જાતિવાદી કાર્ડ ખેલ્યું છે. તેથી બનાસવાસીઓ પ્રારંભથી નિરૂત્સાહી થઈ ગયા છે પરંતુ ભાજપ અને કોંગ્રેસે જાહેરસભાઓ, સમાજવાઈઝ સંમેલનો, રેલીઓ અને રોડ શોમાં કલાકારો અને રાષ્ટ્રીય આગેવાનોને ઉતારી માંડ ચૂંટણીનો માહોલ બનાવ્યો છે. તેમ છતાં જિલ્લામાં સ્થાનિક પ્રશ્નો બેસુમાર છે તો પણ ભાજપે ચૂંટણીમાં કેન્દ્ર સરકારની સિધ્ધિઓની સાથે રાષ્ટ્રવાદને પ્રચારમાં પ્રાથમિકતા આપી છે. ચૂંટણીના ઢંઢેરામાં પણ જૂના વચનો ફરી દોહરાવ્યા છે. જયારે કોંગ્રેસે પણ કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને આપખુદશાહી નિર્ણયોથી આમપ્રજાની કફોડી હાલતને પ્રચારમાં વાચા આપી છે. જા કે, ચૂંટણી ઢંઢેરામાં ‘ન્યાય’ યોજના રજૂ કરી ગરીબથી માંડી સમાજના દરેક વર્ગની ખુશહાલીનું વચન આપ્યું છે...!!
સરહદી બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ અનેક વિશેષતા ધરાવે છે. જિલ્લાનો ભૂગર્ભ પુરવઠો કુદરતી સંપદાઓથી સમૃધ્ધ છે. ‘મીની કાશ્મીર’ તરીકે ઓળખાતા બાલારામ પંથકમાં પણ કુદરતે પ્રાકૃતિક સૌદર્ય છૂટા હાથે વેર્યુ છે પરંતુ તેને પારખવામાં રાજકીય પક્ષો આજસુધી ઉણા ઉતર્યા છે. ઉલટાનું જિલ્લામાં પાણીનો યક્ષ પ્રશ્ન છે. નર્મદાના નીરનો પણ ચાર - પાંચ તાલુકાને બાદ કરતા જિલ્લાને લાભ મળ્યો નથી. અપૂરતી કેનાલો પણ તૂટી નુકશાન વેરે છે. દાંતીવાડા, સિપુ અને મુકતેશ્વર ડેમ ખાલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો ખેડૂતોને કોઈ લાભ નથી. તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ કે પાક વિમો પણ મળતો નથી. રેલ્વેનો અન્યાય આજેપણ યથાવત છે તો ડીસાનું એરોડ્રામ બિન ઉપયોગી પડયું છે. ઉચ્ચ શિક્ષણના અભાવ વચ્ચે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ભણતરના નામે વાલીઓને બે હાથે ખંખેરે છે. નોટબંધી અને જી.એસ.ટી.થી ગણ્યાં ગાંઠયા ધંધા - રોજગાર ઠપ્પ છે તો જીઆઈડીસી અને હીરા ઉદ્યોગ પણ સરકારના પ્રોત્સાહનના અભાવે ડચકા ખાય છે. કરોડોના ખર્ચે બનેલા આલિશાન આરોગ્ય કેન્દ્રો છે પણ ડોકટર સહિતનો સ્ટાફ નથી. આવા અનેક પ્રશ્નોની વણઝાર છે જે પ્રાકૃતિક સંપદાથી સમૃધ્ધ જિલ્લાનો વિકાસ રૂંધે છે. આ પ્રશ્નો દર ચૂંટણીમાં ચમકે છે. અનેક ચૂંટણીઓ આવી અને ગઈ છતાં પ્રશ્નો ઠેરના ઠેર છે. આ વખતે તો શાસક અને વિરોધ પક્ષે આ પ્રશ્નોને અભરાઈ ઉપર ચઢાવી દીધા છે. આમેય ‘આફતને અવસર’ માં પલટી શકવા સક્ષમ બનાસવાસીઓ આ મુદ્દે કાંઈ બોલતા નથી પરંતુ તેની દાઝ મતપેટીમાં અવશ્ય ઠાલવે છે. જેથી જિલ્લો રાજયભરમાં અણધાર્યા પરિણામો આપવા માટે જાણીતો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્‌ા થોપી દેવાયા છે. તેથી બનાસવાસીઓના મતદાનમાં ‘મૂડ’ ને લઈ રાજયભરમાં અત્યારથી જ ઉત્સુકતા છવાઈ છે.

Tags :