પાલનપુર નજીક સોમવારની સાંજે જુદાજુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યકિતના મોત નિપજ્યા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર નજીક સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, મડાણા (ગઢ)ના શિવરામભાઇ માધાભાઇ કાપડી સોમવારે પાલનપુરના મડાણાથી મેસર કેનાલ ઉપર પોતાનું બાઇક નં. જીજે. ૦૮. એડી. ૯૨૨૮ લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન કોઇ કારણોસર સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં બાઇક સ્લિપ થઇ ગયું હતુ. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડતી વખતે માર્ગમાં મોત નિપજ્યું હતુ. જ્યારે બીજા અકસ્માતમાં પાલનપુરના ગોળા ગામના કાન્તિભાઇ તેજાભાઇ પરમાર બાદરપુરા નજીક હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું મોત નિપજ્યું હતુ. બે અકસ્માતમાં બે વ્યકિતઓના મોત નિપજતાં સમગ્રપંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.