પાલનપુર : સરકારી મેડિકલ ઓફિસર ખાનગી પ્રેક્ટિસ કરતાં ઝડપાતાં ચકચાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર : સોમવારે ધાનેરાના જોરપુરામાં ડિગ્રી વગરના તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મંગળવારે સાંજે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફીસર ડો.અજય મહેતા ખાનગી પ્રેક્ટિસ કરતા અને ખોટા રેકોર્ડ ઉભા કરી પ્રમાણપત્ર બનાવતા પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ છે. સોમવારે ધાનેરાના જોરાપુરા ગામે રામપુરામોટાના દુધ ડેરીની બાજુમાં પ્રાઇવેટ પ્રેક્ટીસ કરતા ઇશ્વરભાઇ પટેલની દુકાનમાં તપાસ કરતા દવાનો જથ્થો મળી આવ્યો હતો. જે દવાનો જથ્થો કબ્જે લઇ ઇશ્વરભાઇ પટેલ સામે ધાનેરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. બીજો બનાવ મંગળવારે પાલનપુર શહેરમાં બન્યો હતો. જ્યાં માન સરોવર ફાટક પાસે છેલ્લા એક વર્ષથી સરકારી મેડિકલ ઓફિસર ડો. અજય મહેતા સામઢીમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર પદે ફરજ બજાવતા હોવા છતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હતા. પાલનપુર ૧૦૮ની ટીમ દ્વારા આ અંગે બાતમી આપવામાં આવતા તેમની સામે કાર્યવાહી કરાઇ હતી. અધૂરામાં પૂરું તાલુકા હેલ્થ ઓફિસર દીપક અનાવાડિયાની બનાવટી સહી કરી બનાવટી રેકર્ડ ઊભું કરી પ્રમાણપત્ર બનાવી ક્લિનિકમાં લગાવ્યું હતું.
આ અંગેની વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે ‘અમને બાતમી મળતા ટીમ સાથે દરોડો પાડ્યો હતો. જેમાં ડો.અજય મહેતા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપાયો હતો અને ૧૬ નંગ સરકારી સોય મળી આવી છે. આ ઉપરાંત જૈવિક ચીજ વસ્તુઓનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરાયો નહોતો તેમજ બનાવટી રેકર્ડ પણ ઉભું કરવામાં આવ્યું હતું. જેને લઇ પોલીસ ફરિયાદ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.’ મેડિકલ ઓફિસરની પત્નીનું પણ આરોપીમાં નામ આવશે. અજય મહેતાના પત્ની કોમલ પંચાલ મોબાઈલ હેલ્થ યુનિટમાં ફરજ બજાવે છે.એપ્રિલ ૨૦૧૯ માં કોમલબેને ૧૦૮માં એવું સર્ટીફીકેટ રજુ કર્યું હતું કે હું પ્રાઇવેટ પ્રેક્ટિસ નથી કરતી આ દવાખાનુ મારા પતિ ચલાવે છે.હકીકતમાં આવું કોઈ સર્ટીફીકેટ પાલનપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા ઈસ્યુ કરાયું ન હતું. જેથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાના આ મામલામાં પત્નીને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવશે.તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.