પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ આ રોગચાળાના પ્રકોપ પર નિયંત્રણ મૂકવા પાણીપૂરીના ધંધાર્થીઓ પર ઘોંસ વધારી રહ્યું છે.

જોકે ઠેરઠેર આવતા પ્રદૂ‌િ‌ષત પાણીથી પાણીજન્ય રોગચાળો વધ્યો છે ત્યારે આવા સંજોગોમાં ગઇ કાલથી પાણીના નમૂના લેવાની તંત્રની કામગીરી જ આંતરિક વિખવાદથી ઠપ થઇ ગઇ છે.

લોકોને પ્રદૂષિત પાણી પીવું પડતું હોઇ છેલ્લા ત્રણ અઠવાડિયામાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં જ પાણીજન્ય રોગચાળાના કુલ ૮૩૯ દર્દીઓ સારવારગ્રસ્ત છે. જેમાં ઝાડા-ઊલટીના રપ૮, કમળાના ર૮૯, ટાઇફોઇડના ર૮પ અને કોલેરાના સાત દર્દીનો સમાવેશ થાય છે.

ઘાતક ગણાતા કોલેરાના તો છેલ્લા દોઢ મહિનામાં ૩૮ સત્તાવાર કેસ નોંધાઇ ચૂક્યા છે. વટવા, રામોલ, જમાલપુર, શાહપુર અને બહેરામપુરામાં કોલેરાના દર્દીઓ વધુ હોઇ આ વોર્ડના નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે.

આમ, અેક તરફ શહેર પાણીજન્ય રોગચાળાના ભરડામાં ફસાયેલું છે તો બીજી તરફ ગઇ કાલથી પાણીના નમૂના લઇને તેમાં કલોરીન તપાસવાની હેલ્થ વિભાગની કામગીરી લગભગ ઠપ થઇ છે.

જાણકાર સૂત્રો કહે છે, તાજેતરમાં સત્તાવાળાઓએ હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વચ્ચે કામનું વિભાજન કરી તેમાં પણ સ્વચ્છતા અભિયાન જેવી મહત્વપૂર્ણ બાબતનો સીધો હવાલો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટને સોંપ્યો છે.

આના કારણે હેલ્થ વિભાગના એએસઆઇ, એસઆઇ અને પીએચએસ જેવા સ્ટાફની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફાળવણી કરાઇ છે. તંત્રના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફની ચર્ચાતી કૂણી લાગણીથી તે સમયે જ હેલ્થ વિભાગમાં અંદરખાને ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

જોકે હવે ગઇ કાલથી હેલ્થ વિભાગ દ્વારા જે તે ઝોનના જે તે વોર્ડમાંથી પ્રદૂષિત પાણીની ફરિયાદોના પગલે તેમાં કલોરીન તપાસવા લેવાતાં પાણીના નમૂનાની કામગીરી ભારે પ્રભાવિત થઇ છે. મધ્ય ઝોનમાંથી લેવાતા પાણીના નમૂનાની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો નોંધાયો છે.

પ્રદૂષિત પાણીને લગતી સૌથી વધુ ફરિયાદ મધ્ય ઝોનમાંથી આવતી હોઇ આ ઝોનમાંથી દર મહિને અંદાજે ૧૧૦૦ થી ૧ર૦૦ નમૂના લેવાય છે. ત્યારબાદ બીજા ક્રમાંકે આવતા દ‌ક્ષિણ ઝોનમાંથી પણ પાણીના નમૂના ઓછા લેવાયા હતા. ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાંથી પણ પાણીના નમૂના લેવાની કામગીરીને અસર પહોંચી હોવાની કબૂલાત તંત્રના હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.