ગુજરાતઃ ધોરણ 6થી 8ના સરેરાશ 1.90 લાખ વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં આવડતું નથી

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા અઢી મહિનાથી શરૂ કરાયેલા મિશન વિદ્યા અભિયાનમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણની ખોદાયેલી ઘોર અંગે પર્દાફાશ થયો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સુધારવા સાથે નબળાં વિદ્યાર્થીઓને પ્રિય ગણી હાથ ધરાયેલા આ વિદ્યા અભિયાનમાં જીસીઈઆરટી દ્વારા મૂલ્યાંકન પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૬થી ૮ના સરેરાશ ૧,૮૯,૨૪૬ એટલે કે, ૨૮.૩૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં આવડતું નહીં હોવાનું બહાર આવ્યું છે. જો ધોરણ ૬થી ૮ના બાળકોની આવી સ્થિતિ હોય તો પછી ધોરણ ૫ સુધીના વિદ્યાર્થીઓની સ્થિતિની કલ્પના જ કરવી રહી.

ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયા વેડફીને પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સહીત શિક્ષણ સુધારણા માટે અનેક કાર્યક્રમો યોજે છે. આમછતાં ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮ના ૨૮.૩૮ ટકા બાળકોને વાંચતા કે લખતાં આવડતું નથી. આ સરકારી શાળાઓના નબળાં બાળકો વાંચન, લેખન અને ગણનમાં હોંશિયાર થાય તે માટે મિશન વિદ્યા અભિયાન ગયા જુલાઈથી શરૂ કરવામાં આવ્યું છે. ૮ સપ્ટેમ્બરે પુરૂ કરવાના બદલે લંબાવાયેલું આ અભિયાન હવે નિરંતર યોજવા વિચારણા ચાલી રહી છે.જેમાં આ અભિયાનથી સરકારી શાળાઓની નબળાં શિક્ષણની વાસ્તવિકતા બહાર આવી છે.

રાજ્યની કુલ ૨૩૪૭૪ સરકારી પ્રાથમિક શાળાઓના નબળા વિદ્યાર્થીઓનું મિશન વિદ્યા અભિયાન દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં ધોરણ ૬થી ૮માં ૨૦ લાખ જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ બાળકોમાંથી જેમણે વાંચન, લેખન અને ગણનમાં ૧૦ ગુણમાંથી ૦થી ૫ ગુણ મેળવ્યાં હોય તેવા વિદ્યાર્થીઓનું એક પ્રેઝન્ટેશન જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેની વિગતો પ્રમાણે ધોરણ-૬માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૭૩,૩૫૨, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૦૩,૨૬૧ અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૦૬,૮૬૭ થાય છે.

જ્યારે ધોરણ-૭માં વાચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૬૧,૫૩૩, લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૯૩,૯૦૩ અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૦૭,૭૦૫ છે. તો ધોરણ-૮માં વાંચનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૫૭,૪૩૩ લેખનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૯૦.૯૩૪ અને ગણનમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૦૮,૨૨૮ થાય છે. આમ ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી વાંચનમાં કુલ ૪,૯૨,૩૧૮ નબળાં છે. તો લેખનમાં કુલ ૫,૮૮,૦૯૮ અને ગણનમાં કુલ ૬,૨૨,૮૦૦ નબળાં છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.