દિયોદરમાંથી ખરીદાયેલ મગફળીમાં માટી નીકળતા ખળભળાટ, દિયોદર ગોડાઉન મેનેજર અને જિલ્લા પુરવઠા મામલતદારની બદલી

દિયોદર મગફળી ખરીદ કેન્દ્રમાંથી ભરેલ મગફળીની બોરીઓમાંથી માટી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  જેના પગલે દીયોદર ગોડાઉન મેનેજર અને જિલ્લા પુરવઠાના મામલતદારની તાત્કાલિક ધોરણે બદલી કરી દેવાયાનું જાણવા મળેલ છે. 
 
ગત ર૦૧૮ ના વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં સરકારની મગફળી ટેકાના ભાવે ખરીદીનું કૌભાંડ આખા રાજ્યમાં ચમક્યુ હતું. ત્યારે આ વર્ષે પણ મગફળીની ખરીદી પ્રારંભથી વિવાદોમાં સપડાઈ છે. ત્યારે દિયોદર મગફળી ખરીદ કેન્દ્રમાંથી અમીન ટ્રાન્સપોર્ટની ટ્રક (નં.જી.જે.૦ર.વાય.૭પપપ) મગફળીની બોરીઓ ભરીને ટેટોડા ખાતે બનાવેલ જિલ્લાના ગોડાઉનમાં ગઈ હતી. જ્યાં કેટલીક બોરીમાંથી માટી નીકળતા અધિકારીઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા. જેના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે દિયોદર ગોડાઉન મેનેજર અને જિલ્લા પુરવઠા મામલતદારની બદલી કરી દેવામાં આવી હતી. આ બાબતે મામલતદાર પી.એલ.પંચાલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ટ્રક માલિક દ્વારા ભેળસેળ કરાયેલ અહીના મગફળીના ખરીદ કેન્દ્ર ઉપર મારી નજર હેઠળ વિડીયો રેકોર્ડીંગ કરી ઢગલો કર્યા બાદ મગફળીનો તોલ કરીને બોરીઓ ભરેલ છે. તેથી ટ્રક ચાલક અને પરિવહન ઈજારદાર વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરાય તે માટે અમોએ ઉપલા અધિકારીઓને જાણ કરી છે. 
જ્યારે દિયોદર ગોડાઉન મેનેજર પી.બી.તેવરે જણાવ્યું હતું કે ટ્રક ચાલકને રાત્રે માલ ભરવાની ના પાડી હતી. તેમ છતાં તે આખો દિવસ બેસી રહી રાત્રે ટ્રકમાં મગફળીની બોરીઓનું પરિવહન કરેલ. જેથી પરિવહન ઈજારદારના ઈશારે ટ્રક ચાલકે રસ્તામાં બિન અધિકૃત રીતે રોકાણ કરીને બોરીઓમાં માટીની ભેળસેળ કરી છે. તેવી અમોએ ઉપર રજુઆત કરેલી છે. તેમ છતાં અમારી ગાંધીનગર બદલી કરી દેવાઈ છે. 
આમ “પાડાના વાંકે પખાલીને ડામ” ઉકીત મુજબ સત્યતા ચકાસ્યા વિના સરકારે નિર્ણય લઈને બે અધિકારીનો ભોગ લઈને બદલીઓ કરતા સમગ્ર પંથકમાં આ મુદ્દો આખો દિવસ ચર્ચાસ્પદ બનવા પામ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.