ડીસામાં લાકડાનો કાળો કારોબાર કરતા તત્વો બેફામ

બનાસકાંઠાના ડીસા પંથકમાં લીલા વૃક્ષોનું આડેધડ કટિંગ કરી બારોબાર વેચી મારવાનો વેપલો ઘણા લાંબા સમયથી ચાલે છે તેમછતાં જવાબદાર તંત્રની ભેદી ચુપકીદીથી બેફામ બનેલા વેપારીઓ કાયદાને ધોળીને પી જઇ મીડિયાને પણ દબાવવાનો બાલીસ પ્રયાસ કરવા લાગ્યા છે.
 
હરિયાળા એવા ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી અતિ કિંમતી એવા લીલાછમ વૃક્ષ નામશેષ થઈ ચૂક્યા છે અને જીલ્લો  રણ વિસ્તારમાં ફેરવાઈ રહ્યો છે.તેમ છતાં જવાબદાર તંત્રને માત્રને માત્ર હપ્તાબાજી જ રસ છે.પૈસાના જોરે કહેવાતા વેપારીઓઓ કાયદો ખીસામાં લઇને ફરી રહ્યા છે.બેખોફ બની દિવસ રાત  તેમના જ મળતીયાઓ  દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને ગોચરમાં ઉભેલા લીલાછમ ઉપજાઉં એવા લીમડા, આંબો, પીપળ, વડ, રડુસા, કણજી, આંબલી સહિત અનેક વૃક્ષને ઇલેક્ટ્રિક કટર દ્વારા કાપી રાતો રાત સો મિલ પર લાવી તેને વહેરી નાખી મો માંગ્યા ભાવે વેચી રહ્યા છે ત્યારે  રેવન્યુ મામલદાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ડીસાના રેલવેસ્ટેશન નજીકથી માર્કેટયાર્ડ જતા માર્ગ પર અંબિકા વે બ્રિજ નજીક રાત્રે અને વહેલી સવારે આ કહેવાતા વેપારીઓ આવી જાય છે અને ઉચ્ચક હરાજી કરી અતિ કિંમતી એવા વૃક્ષ પાણીના મૂલે ખરીદી પોતાનો રોટલો શેકી પર્યાવરણનું પણ અધોપતન નોતરી રહ્યા છે.ગઈકાલે શનિવારે સવારના સુમારે અંબિકા વે બ્રિજની સામે રોડ સાઈડ ચારથી પાંચ લીલા વૃક્ષ ભરેલા ટ્રેકટર અને ઊંટલારી ઉભા હતા ત્યારે આડેધડ કાપી લવાયેલા લાકડા વિશે પૂછતાં કેટલાક વેપારીઓએ ઉડાઉ જવાબ આપી થાય તે કરી લેવાની તેમજ કાયદો બતાવવાની વાત જણાવી હતી કોઈ અમારું કશુજ બગાડી શકવાના નથી.કાયદાનો ડર બતાવતા આવા વીરપ્પનોને આવી પ્રવૃતિ કરતા કોણ રોકી શકે ?? તેથી આ બાબતને ગંભીરતાથી લઈ જવાબદાર તંત્ર  ઘટતાં પગલાં ભરે તે અત્યન્ત જરૂરી છે. 
 અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં આ પ્રવૃતિ લાંબા સમયથી ચાલી રહી છે.જેને લઈને અવાર નવાર મીડિયામાં પણ  આ સમાચાર પ્રસિદ્ધ થાય છે તેમ છતાં જવાબદાર તંત્ર આ બાબતને લઈ કયારેય કોઈ જ પગલાં ભર્યા નથી.અરે પગલાં લેવાની જગ્યાએ આવા વિરપનોને સચેત કરી દેવામાં આવતા હોય છે.મતલબ દિવાળી સુધારતા આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પંથક વેરાન બની ધીમે ધીમે રણમાં ફેરવાઈ રહયો છે ત્યારે જિલ્લા સમાહર્તા આ મામલે હસ્તક્ષેપ કરે તેવી આમપ્રજાની યાચના અસ્થાને નથી જ...
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.