ગુજરાતમાં નેનોને બાય-બાય, ઉત્પાદનમાં 90 ટકા ઘટાડો

ગુજરાત સરકારે ટાટા મોટર્સની નેનો કારના ઉત્પાદન માટે સાણંદમાં ખેતીની જમીન આપી દીધી હતી અને ટાટા કંપનીને લોનની સુવિધા પણ કરી આપી હતી છતાં કંપનીએ તેનું ઉત્પાદન છેલ્લા પાંચ વર્ષમાં ઘટાડી દીધું છે. રતન ટાટાનો આ પ્રોજેક્ટ ફેઇલ ગયો છે, કારણ કે નેનો કાર બજારમાં ચાલી નથી અને કંપનીને ખોટ સહન કરવી પડી છે. ગુજરાતે જે હેતુ માટે ટાટા મોટર્સને સાણંદમાં 1100 એકર જમીન આપી હતી તે હેતુ સર્યો નથી.

2008મા જમીન આપી અને 2011મા કંપનીએ નેનો કારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે સ્થિતિ એવી છે કે ટાટા મોટર્સે પાંચ વર્ષમાં નેનો કારનું ઉત્પાદન 90 ટકા ઘટાડી દીધું છે. આ કંપનીએ પ્રારંભિક સ્તરે 2000 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.કંપનીએ વાયદો કર્યો હતો કે એક વર્ષમાં તે એક લાખ કારની ક્ષમતા રાખશે, ત્યારબાદ કંપનીએ કહ્યું હતું કે તે વર્ષે બે લાખ કાર બનાવશે. ટાટા મોટર્સે સાણંદમાં માર્ચ 2018ના પૂરા થતાં નાણાકીય વર્ષમાં માત્ર 1920 કાર બનાવી હતી. પશ્ચિમ બંગાળના સિંગુરમાં આ પ્રોજેક્ટ સ્થાપવાનો હતો, પરંતુ BJP સરકાર 2008મા તેને ગુજરાતમાં લાવી અને સાણંદમાં સરકારે જગ્યા આપી હતી. કંપનીએ વધુમાં કહ્યું હતું કે તે સાણંદના પ્લાન્ટમાં વર્ષે 3.50 લાખ કાર બનાવશે અને તેનું મૂડીરોકાણ 2900 કરોડ રૂપિયા કરશે. આગળ જતાં વર્ષે પાંચ લાખ કાર બનાવવાનું કંપનીએ વચન આપ્યું હતું પરંતુ તે નિભાવ્યું નથી.

ટાટા મોટર્સે માર્ચ 2018 સુધીમાં આ પ્લાન્ટમાં 3854 કરોડનું રોકાણ કર્યું છે પરંતુ નેનો કારનું ઉત્પાદન ઘટાડી દીધું છે. કંપનીએ 2014-15મા 21155 અને 2015-16માં 22214 કાર બનાવી હતી. ત્યાર પછી કંપનીએ કાર બનાવવાનું ઓછું કરી દીધું હતું અને છેલ્લા રિપોર્ટ પ્રમાણે 2016-17માં નેનો પ્લાન્ટમાં માત્ર 8305 નેનો બની હતી. સત્તાવાર આંકડા પ્રમાણે નેનો પ્રોજેક્ટ થકી કંપનીએ માર્ચ 2018 સુધીના એક વર્ષમાં માત્ર 1920 નેનો કાર બનાવી છે.

કંપની તેના વાયદામાંથી ફરી ગઇ છે અને હવે તે બીજી કારનું ઉત્પાદન આ પ્રોજેક્ટમાં કરવા માગે છે. રતન ટાટાએ કહ્યું હતું કે હું એક લાખ રૂપિયામાં કાર આપીશ પરંતુ નેનો કારની કિંમત 2.50 લાખ સુધી પહોંચી ગઇ હતી. ટાટાએ બીજો વાયદો એ પણ કર્યો હતો કે કંપની વર્ષે 3.50 લાખ કાર બનાવશે પરંતુ કંપનીએ વર્ષમાં એક લાખ કાર તો બનાવી જ નથી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.