લાજપોર જેલ બહાર બહેનોની લાગી લાઈન, કેદી ભાઈઓને રાખડી બાંધી ક્રાઈમ ન કરવા માંગ્યું વચન

રક્ષાબંધનના મહાપર્વ નિમિત્તે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કાચા,પાકા, અટકાયતી કેદી ભાઈઓએ ભાઈ બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જેથી જેલની બહાર આજે બહેનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. કેદી ભાઈઓને તેમની સગી બહેનોએ રાખડી બાંધીને ભાઈના સુખમય અને આરોગ્યમય જીવનની શુભકામનાઓ પાઠવી ક્રાઈમ ન કરવા વચન માગ્યું હતું. બહેનોએ પોતાનો ભાઈ જેલમુક્ત થઇ સમાજમાં પૂન: સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે પ્રાર્થના કરી હતી. બહેનોની મુલાકાતથી બંદીવાન ભાઈઓ આંખોમાં હર્ષાશ્રુ રોકી શક્યા ન હતા.
 
સુરત શહેરની લાજપોર જેલમાં પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા આજે વહેલી સવારથી જ બહેનો જેલ પ્રાંગણમાં ઉમટી હતી. જેના કારણે જેલોની બહાર આજે બહેનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. બહેનો હાથમાં રાખડી, મઠાઇના પેકેટ અને કંકુ-ચોખાની કંકાવટી લઇ ઉભેલી હરખાતી નજરે પડતી હતી પરંતુ સાથે સાથે પોતાનો ભાઇ જેલમાં હોવાની વેદના અને કરૂણા પણ બહેનોના ચહેરા પર વર્તાતી હતી.
 
જેલ સત્તાવાળાઓ તરફથી બહેનો પોતાના કેદી ભાઇઓને સારી રીતે રાખડી બાંધી શકે અને તેમની સાથે વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકે તે માટે સમયની અનુકૂળતા આપવા સહિતની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. લાજપોર જેલમાં બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને જ્યારે રડતી આંખોએ રાખડી બાંધી તેને આશીર્વાદ આપ્યા ત્યારે કેદીભાઇઓ પણ પોતાના આંસુઓને રોકી શકયા ન હતા. અને તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી.
 
 જેલ અધિક્ષકે તમામ કેદીઓને મીઠાઈ વહેંચી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી જેલમુક્ત થઇ ફરીથી નવા જીવનનો પ્રારંભ કરી આદર્શ નાગરિક બનવાનો અનુરોધ કર્યો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.