વડગામના મેપડા ગામના સરપંચના બોગસ રાજીનામા સંદર્ભે મામલતદારને આવેદનપત્ર

વડગામ : ગતિશીલ ગુજરાતમાં રાજ્ય સરકારની તમામ સરકારી કચેરીઓની કામગીરી ઓનલાઈન કરી દેવાઈ છે પરંતુ કેટલી ઝડપે કામ થાય છે ? તે શાણી પ્રજા સારી રીતે જાણે છે ત્યારે ગત શુક્રવારે વડગામ તાલુકા પંચાયતના ટપાલ રવાનગી વિભાગમાં કોઈ અજાણ્યો શખ્સ મેપડા ગ્રામ પંચાયતના સરપંચ રાકેશભાઈ બી. પ્રજાપતિની ખોટી સહી અને નકલી પંચાયતનું લેટરપેડ ઉપર રાજીનામુ મંજુર કરવાનું લેખિતમાં આપી જતો રહ્યો હતો જે લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેમણે અનાયાસે સરપંચને ફોન કરી "તમોને શુ તકલીફ છે રાજીનામુ કેમ આપ્યું ?"  તેમ જણાવ્યું હતું પરંતુ કંઈ ન જાણતા સરપંચ છોભીલા પડી ગયા હતા અને તાલુકા પંચાયતમાં દોડી જઇ" મેં રાજીનામુ આપ્યું નથી" તેમ જણાવી ગામના કોઈ વિઘ્‌નસંતોષીનું કારસ્તાન હશે તેવી શંકા વ્યક્ત કરી હતી. સરપંચના (ના)રાજીનામના સમાચાર વાયુવેગે તાલુકાભરમાં વાયરલ થતા અફડાતફડી વચ્ચે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓએ પણ હળવો આંચકો અનુભવ્યો હતો દરમ્યાન ગઈકાલે ૫ ઓગસ્ટને સોમવારે સરપંચો વડગામ તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ ભગવાનસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ વડગામ દોડી આવ્યા હતા અને મામલતદાર આર. સી. ઠાકોરને આવેદનપત્ર આપી મેપડા સરપંચનું ખોટું રાજીનામુ અને લેટરપેડનો પણ દુરુપયોગ કરનાર શખ્સનું કારસ્તાન અપરાધજનક કૃત્ય છે તેમ જણાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો કે સરપંચ સહિત તાલુકા પંચાયતને ઉંધા રવાડે ચડાવનાર શખ્સ તાલુકા પંચાયતના સીસી ટીવી કેમેરામાં આબાદ કેદ થયેલ હોવાનું સરપંચ રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.ત્યારે તંત્ર વિના કારણ આત્મ સ્વાર્થે અન્યોને ઉપાધિ કરાવતા શખ્સને ખુલ્લો પાડી દાખલ રૂપ સજા ફટકારે તેવો જનમત પ્રવર્તે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.