02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રો સાથેની મજાક શું પડશે આવનારા દિવસો માં ભારે?

રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ધરતીપુત્રો સાથેની મજાક શું પડશે આવનારા દિવસો માં ભારે?   07/11/2018

 
 
 
 
                     બટાટાની ખેતી માટે મશહૂર થયેલા ડીસામાં વર્ષ ૨૦૧૬-૧૭માં બટાટાની ખેતીમાં ભયંકર મંદી આવી હતી. આ મંદીમાથી ખેડૂતોને ઊગારવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાત કર્યાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા ખેડૂતોને હજુ સુધી સબસિડી ચૂકવવામાં આવી નથી. જેને પગલે આજે ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ સબસિડી ઝડપથી ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
 બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે લાચાર પરિસ્થિતિમાં છે. અને તેનું કારણ રાજ્ય સરકાર છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થાનિક ખેડૂતોને બટાટાની ખેતીમાં થયેલા વ્યાપક નુકશાનને પગલે ખેડૂતો માટે ટ્રાન્સફર સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. એટ્‌લે કે ખેડૂતો અન્ય રાજ્યોમાં જઈને પોતાનો માલ વેચી શકે તે માટે પ્રતિ કિલો દીઠ એક રૂપિયાની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરાત બાદ ખેડૂતોએ અન્ય રાજ્યોમાં પહોંચીને બટાટા વેચ્યા હતા. પરંતુ ખેડૂતોએ બટાટા વેચી દીધાને એક વર્ષ જેટલો સમયગાળો વીતી જવા છતાં સરકાર દ્વારા જાહેરા કરવામાં આવેલી સબસિડીની રકમ હજુ સુધી ખેડૂતોને ચૂકવાઈ નથી. જેથી ખેડૂતોની હાલત અત્યારે ખૂબ જ કફોડી બની ગઈ છે. વર્તમાન સમયમાં બનાસકાંઠા જીલ્લામાં વરસાદ પણ ખૂબ જ ઓછો થતાં ખેડૂતોને મોટો આર્થિક માર પડ્‌યો છે ત્યારે ખેડૂતોની દિવાળી ન બગડે તે માટે
આજે ખેડૂતો ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર ઉતરી ગયા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક એક વર્ષ પહેલા જાહેર કરવામાં આવેલી સબસિડીની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.
 
 
આગામી સમયમાં દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે અને વર્તમાન વર્ષમાં બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ઓછો થવાના લીધે ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની ગઈ છે. ત્યારે આગામી તહેવારોના સમયમાં સરકાર ખેડૂતો પ્રત્યે રહેમ નજર દર્શાવીને એક વર્ષ અગાઉ જાહેર કરેલી સબસિડી ચૂકવે તો ખેડૂતોની અંધકારમય બનતી દિવાળીને રોશન બનાવી શકાય.
- ગોવિંદ માળી – ખેડૂત
 
 
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ખેડૂતો માટે કરવામાં આવેલી જાહેરાતને એક વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો લાભ હજુ સુધી ખેડૂતોને મળી શક્યો નથી. અને વર્ષ ૨૦૧૭નું વર્ષ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હતું ત્યારે માની શકાય કે જો હજુ સુધી ખેડૂતો સહાય મેળવવાથી વંચિત રહી ગયા હોય તો સરકારની આ જાહેરાત ખેડૂતોના હિત માટે નહિ પરંતુ સરકારે પોતાના સ્વાર્થ માટે કરી હોય તેવું લાગી રહ્યું છે.
- ભરત માળી – ખેડૂત

Tags :