ઇડરમાં દારૂનો કેશ ના કરવા બદલ એક હજાર રૂપિયાની લાંચ લેતાં પોલીસકર્મી ઝડપાયો : પોલીસ બેડામાં ખળભળાટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સક્રીયતાના પગલે રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓ ઝડપાઇ જવાની ઘટનાઓ વધી રહી છે છતાં લાંચની કુટેવ ધરાવતા સરકારી કર્મચારીઓ સુધરવાનું નામ લેતા નથી. ગતરોજ સાબરકાંઠાની એસીબી ટીમે ઇડર ખાતે છટકું ગોઠવી એક પોલીસકર્મીને એક હજાર રૂપિયાની લાંચ લેતાં આબાદ રીતે ઝડપી લેતાં ચકચાર મચી ગઇ છે.
     એસીબીના આ સફળ છટકાની વિગતો કઈક એવી છે કે 
મૂળ સાબરકાંઠા જિલ્લાના પોસીના પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલ ઇડરની એસડીઓપી કચેરીમાં પ્રતિનિયુક્તિ પર મુકાયેલા પોલીસકર્મી વિજયકુમાર દિનેશભાઈ દેવીપૂજકે અગાઉ દારૂનો ધંધો કરતા ઇસમે છેલ્લા ત્રણ મહિનાથી દારૂનો ધંધો બંધ કરી દીધો હોવા છતાં દારૂનો કેસ નહિ કરવા બદલ ૩૫૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. જેથી આ ઇસમે ૨૫૦૦ રૂપિયા લોકરક્ષક વિજયકુમાર દેવીપૂજકને આપી દીધા બાદ બાકીના એક હજાર રૂપિયા ૨૯ મી જાન્યુઆરીએ આપવાનો વાયદો કરી આ લાંચિયા પોલીસકર્મીને પાઠ ભણાવવા એસીબીમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.જેના પગલે સાબરકાંઠા એસીબીના પી.આઈ. આર.જી.ચૌધરીએ એસીબીના ગાંધીનગર ખાતેના મદદનીશ  નિયામક એ.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ગત રોજ મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે ઈડર ખાતે ધરતી હોસ્પીટલ પાસે છટકું ગોઠવ્યું હતું.જે દરમ્યાન આ પોલીસકર્મી પંચોની હાજરીમાં ફરી દારૂનો કેશ ના કરવાના બદલામાં ફરિયાદી પાસેથી જાહેરમાં ૧૦૦૦ રૂપિયાની લાંચનાં નાણા સ્વિકારતો આબાદ રીતે ઝડપાઈ ગયો હતો.
    ઇડરમાં પોલીસકર્મી લાંચ લેતો ઝડપાયો હોવાના અહેવાલોથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.જોકે ફરિયાદીની જાગૃતિ તેમજ એસીબીની સક્રીયતાને સર્વત્ર ભારે આવકાર સાંપડ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.