બનાસકાંઠાનું હીર વિશ્વકક્ષાએ ઝળક્યું : વર્લ્ડ પેરાએથ્લેટિક્સમાં જગાણાના અજીતે 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

બનાસકાંઠાનું હીર વિશ્વકક્ષાએ ઝળક્યું છે.2014માં કાર અકસ્માતમાં પોતાના બંને પગે વિકલાંગ થઈ દોઢ વર્ષ ઘર અને હોસ્પિટલમાં વિતાવ્યા બાદ પાલનપુર તાલુકાના જગાણા ગામના અજિતે ગોળાફેંક અને ચક્ર ફેંકમાં આખી દુનિયામાં ડંકો વગાડી દીધો છે. ચાઇનાના બેઇજિંગમાં આયોજિત સેવન્થ ચાઈના ઓપન વર્લ્ડ પેરાએથ્લેટીક્સ ગેમ્સ ઓપન ચેમ્પિયનશિપમાં વર્લ્ડમાં ત્રીજો રેન્ક પ્રાપ્ત કરી ભારત માટે 2 ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આખા ભારત દેશમાંથી 12 દિવ્યાંગ સ્પોર્ટ્સ પર્સન ચાઇના ગયા હતા ત્યાંથી ભારત માટે 5 ગોલ્ડ મેડલ મેળવીને લાવ્યા હતા. જેમાં જગાણાના અજીત પંચાલે એકલા હાથે બે ગોલ્ડ મેડલ મેળવતા મંગળવારે તેના ગામ જગાણા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું હતું.
 
ચાઇનાના બેઇજિંગમાં 6 મે થી 13 મે સુધી સેવન્થ ચાઈના ઓપન વર્લ્ડ પેરાએથ્લેટીક્સ ગેમ્સ ઓપન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા17 દેશોના 1300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં ભારત દેશમાંથી 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી બનાસકાંઠાના પાલનપુર નજીકના જગાણા ગામના બંને પગે વિકલાંગ અજીત પંચાલ (27)એ વ્હીલચેર પર બેસીને ગોળાફેક 7.78 મીટર અને ચક્ર ફેંક 12.50 મીટર દૂર ફેંકીને બંને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધા હતા. વર્લ્ડમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો . બેઇજિંગથી વતન જગાણામાં સવારે 10: 30 કલાકે પહુચેલા અજિતને ગામ લોકોએ ફુલહાર પહેરાવી મંદિર લઈ ગયા હતા અને જુદા જુદા સમાજના આગેવાનોએ સન્માન કરી આવું હુન્નર તમામ બાળકોમાં આવે તેવી પ્રાર્થના કરી હતી.
 
બેઇજિંગમાં સાત દિવસના અનુભવો અંગેની વાત કરતા અજિતે જણાવ્યું હતું કે " મેં છેલ્લા સાત દિવસથી રોટલી અને શાક ખાધું નથી. માત્ર ફ્રુટના સહારે જ રહ્યો છું. દિવસની 8 કલાકની મહેનતના અંતે ચાલુ વરસાદે ગોળા ફેંક અને ચક્ર ફેક રમતમાં વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે હરીફોને હંફાવ્યા હતા. મારુ રેન્કિંગ આગામી ઓલમ્પિક માટે મોકલી દેવાયું છે જેથી મને આશા છે કે 2021ના ઓલમ્પિકમાં મારું સિલેક્શન થઈ જશે. બનાસડેરીમાં અગાઉ ડ્રાઇવરની નોકરી કરતા અને હાલ પ્લાન્ટમાં ફરજ બજાવતા અજીતના પિતા અમૃતભાઈ પંચાલે જણાવ્યું હતું કે " મારા દીકરાએ અમારા પરિવારનું નામ રોશન કર્યું છે. બનાસકાંઠા કલેકટર સહિત ગામ લોકોના સાથ સહકારથી તેને કોઈ તકલીફ પડી નથી. આજે અમને તેના પર ગર્વ છે. તે બીજા અનેક દિવ્યાંગ યુવકો માટે પ્રેરણારૂપ છે."
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.