ટ્રાફિક પોલીસે કૃષિ યુનિ.ની બસને મુસાફરો સાથે ડીટેઈન કરતા ચકચાર

પાલનપુરમાં વધતા જતા ટ્રાફિક વચ્ચે શટલીયા જીપ-રિક્ષા સહિતના પેસેન્જર વાહનો સામે કુણું વલણ અપનાવનાર ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હીલરો અને ખાનગી વાહનચાલકોની કનડગત કરાતી હોવાની રાવ ઉઠી છે. ત્યારે  ટ્રાફિક પોલીસે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની મુસાફરો સાથે બસને ડિટેઈન કરાતા ચકચાર મચી ગઈ હતી. 
પાલનપુર શહેરના કીર્તિસ્થંભ વિસ્તારમાં વર્ષોથી સરદાર કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડાની બસ ઉભી રહે છે. જેમાં પાલનપુરથી કર્મચારીઓ અને છાત્રો અપડાઉન કરે છે. જોકે, ટ્રાફિક પોલીસે આજે મુસાફરો સાથે જ બસને ડિટેઇન કરી હતી.  મુસાફરો સાથેની બસને પોલીસ હેડક્વાર્ટર લઇ જવાઈ હતી. જેને પગલે છાત્રો અને કર્મચારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાનું પલ્લવી નામની છાત્રાએ જણાવ્યું હતું.
સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના બિન શૈક્ષણિક કર્મચારી મંડળના પ્રમુખ સી.સી. જોશીએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી ખાતે હાલમાં ઇન્ટરવ્યૂ અને એડમિશન પ્રક્રિયા ચાલી 
રહી છે.ત્યારે મુસાફરો સાથે બસને ડીટેન કરાતા છાત્રો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેઓએ કીર્તિસ્થંભ વિસ્તારમાં જ શટલીયા જીપ- રિક્ષા ચાલકો સહિતના ખાનગી વાહનો અને ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લાઓ વાળા સામે ઢીલી નીતિ અપનાવનાર ટ્રાફિક પોલીસ સામે ભારે રોષ ઠાલવ્યો હતો.
પોલીસ દ્વારા છાસવારે કૃષિ યુનિવર્સિટીની સ્ટાફ બસને નિશાન બનાવાય છે. જેનો ભોગ નિર્દોષ કર્મચારીઓ અને છાત્રો બની રહ્યા છે. ત્યારે યુનિવર્સિટીની બસ માટે કાયમી સ્ટેન્ડ ફાળવાય તેવી માંગ ઉઠી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.