ભાજપના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધૂએ તેમની પર અકસ્માત કરી હત્યા નિપજાવવાના પ્રયાસનો કર્યો આક્ષેપ

જામનગર: જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને તેના પુત્રવધૂ વચ્ચે ચાલતા વિવાદમાં વધુ એક વિવાદ જોડાયો છે. ગઈ કાલે પુત્રવધૂ અને પૌત્રની એક્ટિવાને નડેલા અક્સ્માત બાદ પુત્રવધૂએ આ અકસ્માત ભાજપના જીલ્લા પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલે કરાવી હત્યા નીપજાવવા પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ તેઓની જ પુત્રવધૂએ લગાવતા સનસનાટી મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સપ્તાહ પૂર્વે જ પૂર્વ સાંસદ એવા સસરા અને તેના પુત્ર એવા પતિએ તેણીએ મારી નાખવા રચેલા કાવતરાનો ઓડીઓ વાયરલ થયા બાદ આ વિખવાદ સપાટી પર આવ્યો હતો.

 

જામનગર જિલ્લાના પાંચ વખત સાંસદ રહી ચુકેલા પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને તેના પુત્ર હિતેશ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો હાલમાં જ વાયરલ થયો હતો. આ ઓડિયોમાં જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ તેના પીએની હાજરીમાં પુત્ર હિતેશને તેની પત્ની એટલે કે પુત્રવધૂને કઈ રીતે પતાવી દેવી તેનું કાવતરુ રચતા હોવાની વાત કરવામાં આવી હતી. પતિ સાથે વિખવાદ થતા અલગ રહેતી દિવ્યાબેને આ ઓડિયોને આધારે પોલીસમાં અરજી કરી હતી. જોકે પોલીસે અરજી બાદ તપાસ નહિ કર્યાના આક્ષેપ સાથે દિવ્યાબેન મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર પ્રકરણ ઉજાગર થયું હતું.

 

બીજી તરફ ઓડિયોની સત્યતાને જીલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલે નકારી કાઢ્યા હતા. તો બીજી તરફ દિવ્યાબેને પોતાના તથા પોતાના પુત્રના જીવને જોખમ હોવાની પણ આશંકા દર્શાવી હતી. આ સ્થિતિ વચ્ચે ગઈ કાલે દિવ્યાબેન રણજીતનગર પટેલ સમાજ પાસેથી પોતાની એક્ટિવા લઇ પસાર થતા હતા ત્યારે એક સ્કૂટી ચાલકે દિવ્યાબેન અને તેના 11 વર્ષીય પુત્ર હિતને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત નીપજાવી સ્કૂટી સવાર નાશી ગયો હતો. ત્યારબાદ માતા પુત્રે હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ અકસ્માત તેઓના સસરા અને રાજકીય માંધાતા ચંદ્રેશ પટેલે કરાવ્યો હોવાનો પુત્રવધૂએ આક્ષેપ લગાવતા સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટના સમયે પોતાના પતિ અને પૂર્વ સાંસદના પુત્ર એવો હિતેશ સામે જ હતો પરંતુ મદદ કરવાને બદલે તે પોતાનું વાહન લઇ નાશી ગયો હોવાનો પણ દિવ્યાબેને આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.