માલણના વિકાસ માટે યુવાનોએ અભિયાન ઉપાડ્‌યું

 
 
 
 
                પાલનપુર તાલુકાના માલણ ગામમાં કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે ડિજિટલ વિલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ  બાદમા ડિજિટલની લગતી કોઈ પણ સેવા ગામમા  કાર્યરત ન થતા આજે માલણ ગામે યુવાનો દ્વારા ગામના વિકાસ માટે  બેઠક યોજવામાં આવી હતી. જેમા ગામને લગતી ચર્ચા  વિચારણા કરવામાં આવી હતી.  ગામના વિકાસના પ્રશ્નોને લઇ ડેપ્યુટી સરપંચને  રજૂઆત કરાઇ હતી. દેશના પ્રથમ ડિજિટલ વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલા પાલનપુર તાલુકાના માલણ ગામમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે ડિજિટલ વિલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ ડિજિટલ વિલેજ અંતર્ગત કોઈ સેવા કાર્યરત થવાની તો વાત દૂર રહી પણ ગામમાં તે દિવસે ઉદ્ઘાટન કરવામાં આવેલા એટીએમ પણ સમયસર ચાલુ રહેતું ન હોય ગામના યુવાનોએ આ બાબતે પહેલ કરી છે. અને ગામના વિકાસ માટે કંઈક કરી છુટવાના ઉત્સાહ સાથે યુવાનોએ અભિયાન ઉપાડ્‌યું છે. તેમાં ગામમાં નિયમિત સફાઇ થવી જોઇએ.  ગામના વિકાસને લગતા દરેક પ્રશ્નોના નિરાકરણ  માટે યુવાનો દ્વારા આજે બેઠક યોજવામા આવી હતી.  જેમાં ગામમાં ઇમરજન્સી સમયે તેમજ રાત્રીના સુમારે કોઈ વ્યક્તિ બીમાર થાય તો ગામમાં જ સારવાર મળી રહે તે માટે સરકારી પીએચસીમાં રાત્રિના સુમારે મેડિકલ સ્ટાફ હાજર રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તે ઉપરાંત ગામમાં સફાઇ કામગીરી પાછળ ગ્રાન્ટ વાપરવામાં આવી રહી છે પરંતુ ગામમાં નિયમિત સફાઇ ન થતી હોવાની પણ રાવ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં મીટિંગમાં ઉપસ્થિત ડેપ્યુટી સરપંચે આ બાબતે પ્રશ્નોનો હલ લાવવા પ્રયત્ન કરવા ખાતરી આપી હતી. તે ઉપરાંત ચામુંડા માતાજીના મંદિર પાસે બની રહેલા એક રેસિડેન્સ સ્કીમમાં ગૌચરની જમીનમાં દબાણ થયું હોવાનું પણ મિટિંગમાં ચર્ચાયું હતું એ બાબતે પણ ડેપ્યુટી સરપંચે તપાસ કરી જો દબાણ થયું હશે તો તે બાબતે પગલાં ભરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આમ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે માલણ ગામમાં વિકાસને લઇ હવે યુવાનો એ પહેલ કરી છે. અને કોઇપણ પક્ષ સત્તામાં આવે તેનાથી કોઈ લેવાદેવા નથી. પરંતુ ગામનો વિકાસ થવો જ જોઈએ તેવી નેમ સાથે યુવાનોએ આ બીડું ઝડપ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.