અમદાવાદમાં ડેન્ગ્યુનો આતંક, બાળકો સૌથી વધુ શિકાર બન્યા ડેન્ગ્યું

અમદાવાદ: શહેરમાં ઘાતક સ્વાઇન ફ્લૂ ઉપરાંત ડેન્ગ્યુએ પણ કાળો કેર મચાવ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનના ઢોલનગારાં પીટનારા મ્યુનિસિપલ સત્તાવાળાઓ ઠેર ઠેર ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવ પર નિયંત્રણ લાવી શક્યા નથી. પરિણામે ડેન્ગ્યુના કેસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

 

આમાં ખાસ ગંભીર બાબત એ છે કે નાનાં ભૂલકાંઓ ડેન્ગ્યુના વધુ ને વધુ ભોગ બની રહ્યાં છે. બીજી તરફ તંત્ર રાબેતા મુજબ 'સબ સલામત'નાં ગાણાં ગાઇ રહ્યું છે, જોકે સત્તાવાળાઓ મોતના આંકડા પર ઢાંકપિછોડો કરી રહ્યા છે.

 

શહેરમાં ૧ સપ્ટેમ્બરથી રર સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં સ્વાઇન ફ્લૂ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ લોકોને ભયભીત કર્યા છે. તંત્રના ચોપડે સાદા મેલેરિયાના ૭૬૩, ઝેરી મેલેરિયાના ૯૬ અને ડેન્ગ્યુના ૧૭૭ સત્તાવાર કેસ નોંધાયા છે. આ રોગચાળાનો બિનસત્તાવાર આંક તો ચારથી છ ગણો છે.

મચ્છરજન્ય રોગચાળા પર અંકુશ મુકવા તંત્ર દ્વારા તમામ ઝોનમાં મહિને એક લાખ રૂપિયાનો પગાર લેનારા આસિસ્ટન્ટ એન્ટોમોલો‌િજસ્ટની નિમણૂક કરાઇ છે. આ ઉચ્ચ અધિકારીના હાથ નીચે સિનિયર આસિસ્ટન્ટ એન્ટોમોલો‌િજસ્ટ, મેલેરિયા સુપરવાઇઝર વગેરે સ્ટાફનો કાફલો છે.

 

તેમાં પણ ઉત્તર ઝોનના જુનિયર અધિકારીને સમગ્ર મેલેરિયા વિભાગનો હવાલો સોંપાયો છે. મ્યુનિસિપલ તિજોરીમાંથી દર વર્ષે મેલેરિયા વિભાગ પાછળ લાખો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. તેમ છતાં પરિણામ શૂન્ય છે.

ગત વર્ષ ર૦૦૬થી ચાલુ વર્ષ ર૦૧૮ સુધીના ડેન્ગ્યુના સત્તાવાર આંકડા તપાસતાં ચાલુ વર્ષની ગત તા.રર સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના કુલ ૧૩પ૦ કેસ નોંધાઇ ચૂક્યા છે અને જે પ્રકારે કેસમાં વૃદ્ધિ થઇ રહી છે તેને જોતાં ડિસેમ્બરના અંત સુધીમાં બે હજાર કેસ નોંધાય તેવી પૂરેપૂરી શકયતા છે એટલે ગત વર્ષ ર૦૧૬નો ડેન્ગ્યુના ૧૭૬૯ કેસનો રેકોર્ડ તૂટે તેમ લાગે છે.

 

મેલેરિયા વિભાગની ઇન્ટ્રા ડોમે‌િસ્ટક સર્વે સહિતની કામગીરી નબળી પુરવાર થઇ છે. ઘાતક ડેન્ગ્યુથી અત્યાર સુધીમાં ર૭થી વધુ દર્દી મરણને શરણ થયા છે તેમ છતાં તંત્રના ચોપડે માત્ર બે મોત નોંધાયાં છે. આ અંગે મેલેરિયા વિભાગના ઇન્ચાર્જ વડા ડો.રાજેશ શર્માને પૂછતાં તેઓ કશું કહેવાનો ઇન્કાર કરે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.