અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટતા 3નાં મોત, 31 લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના કાંકરિયામાં આવેલ બાલવાટિકામાં ડિસ્કવરી નામની રાઇડ તૂટતા 3 લોકોનાં મોત થયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 31 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલા-બાળકોનો સમાવેશ થાય છે. ગૌરીવ્રત અને રવિવારને કારણે રાઈડ્સમાં ઘણી ભીડ હતી પણ સંચાલકોની મેઈન્ટનન્સમાં બેદરકારીને કારણે રાઈડ તૂટી હતી. 5 એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફસાયેલાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટના સ્થળે પહોંચ્યા છે.
 
રાઈડ્સ પડતા રાઈડ્સના અનેક કટકા પણ થયા હતા. ઘટનાનાં પગલે કાંકરિયામાં લોકોને પ્રવેશ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. પોલીસે પાર્કના મલિક અને રાઈડ્સ ઓપરેટરની પૂછપરછ શરૂ છે. આ રાઇડ સુપરસ્ટાર એમ્યુસમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી.
 
વિજય નહેરાએ જણાવ્યુ હતું કે, પોલીસે સંચાલકો સામે એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી કરી છે. એફએસએલને પણ ઘટનાં સ્થળે બોલાવાઇ છે. આ દુર્ઘટનામાં રાઇડનો બેઝ પણ બેસી ગયો હતો.
 
ફાયર બ્રિગેડના અધિકારીનાં જણાવ્યા અનુસાર આ રાઇડ 65 ફૂટ ઉંચી હતી. જે બંને તરફ 30-30 ફૂટ ઝૂલતી હતી. આ રાઇડનો વચ્ચે જોઇન્ટનો ભાગ તૂટી ગયો છે.
 
તાજેતરમાં અમદાવાદ રીવરફ્રન્ટ મેળામાં રાઈડ 50 ફૂટ ઊંચે અટકી પડી અને ઉપર અટકી ગયેલી આ રાઈડમાં બાળકો સહિત 28 લોકોને ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.