02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ચાંદખેડામાં ફરી સશસ્ત્ર ટોળકીનો આતંકઃ પથ્થરમારો કરી ધાડ પાડી

ચાંદખેડામાં ફરી સશસ્ત્ર ટોળકીનો આતંકઃ પથ્થરમારો કરી ધાડ પાડી   07/08/2018

અમદાવાદ: શહેર છેવાડે આવેલો ચાંદખેડા વિસ્તાર હવે અસલામત બની ગયો છે. ચાંદખેડાવાસીઓ હવે પોતાને અસલામત અનુભવી રહ્યા છે. ચાંદખેડામાં ફરી એકવાર ચોરી ધાડની ઘટના બની છે. સતત બીજા મહિને પથ્થર સાથે આવતી લૂંટારુ ટોળકી પરિવારજનો પર પથ્થરમારો કરી કરી ફરાર થઈ ગયા હોવાનો કિસ્સો બન્યો છે.

ચાંદખેડા ટીપી રોડ પર આવેલા પાઈનેપલ બંગ્લોઝમાં રહેતા ખાનગી કંપનીના મેનેજરના ઘરમાં મોડી રાતે ચોરી કરવા આવેલા તસ્કરોએ રૂ. એક લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચાંદખેડા વિસ્તાર દિવસેને દિવસે વિકસિત થઇ રહ્યો છે ત્યારે બીજી તરફ ચાંદખેડાવાસીઓ અસલામતી અનુભવી રહ્યા છે. હવે ચાંદખેડા હથિયારો અને પથ્થર સાથે લૂંટફાટ કરતી ટોળકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે.

ચાંદખેડાના ટીપી-૪૪ રોડ પર શ્રીરંગ સોસાયટી પાસે આવેલા પાઈનેપલ બંગલોઝમાં મિતેશભાઈ પટેલ (ઉ.વ.૪૦) તેમના પરિવાર સાથે રહે છે. મિતેશભાઈ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.

રવિવાર રાતે પરિવારજનો સૂઈ ગયા હતા. મોડી રાતે ત્રણેક વાગ્યાની આસપાસ ઘરમાં અવાજ થતાં પરિવારજનો જાગી ગયા હતા. બેડરૂમથી બહાર આવીને જોતાં મોઢે રૂમાલ બાંધેલા ત્રણથી ચાર અજાણ્યા માણસો બહાર ઊભા હતા.

તેશભાઈએ બુમાબુમ કરતાં તેઓ મકાનમાંથી નીચે ઊતરી ગયા હતા. બધા જાગી અને તેઓને પકડવા જતા તસ્કરોએ તેમની પાસે રહેલા પથ્થરથી પથ્થરમારો કર્યો હતો.

પથ્થર મારવાથી મિતેશભાઈના બાજુમાં આવેલા બંગલાની ગેલેરીનો કાચ પણ તૂટી ગયો હતો. તસ્કરો નાસી જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. ચાંદખેડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘરમાં તપાસ કરતાં તસ્કરો મુખ્ય દરવાજાનું લોક અને સ્ટોપર કોઈ સાધન વડે તોડી અને અંદર પ્રવેશ્યા હતા.

મુખ્ય રૂમમાં મૂકેલા પર્સ અને ટેબલ પર પડેલા રોકડ રૂ. છ હજાર, છ તોલાના સોનાના દાગીના અને બીજા રોકડ રૂ. દસ હાજર મળી કુલ રૂ. એક લાખની આસપાસની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. ઘરમાંથી ચોરીના બનાવને લઈ ચાંદખેડા પોલીસે ચોરી અને નુકસાન અંગેનો ગુનો નોંધ્યો છે.

ચાંદખેડા હથિયાર અને પથ્થર સાથે આવતી ટોળકી દ્વારા ઘરમાં ઘૂસી અને ચોરી કે લૂંટફાટનો આ કોઈ નવો બનાવ નથી ગત મહિને પણ ચાંદખેડા ગામની પાછળ આવેલા આમ્રકુંજ બંગલોઝમાં ત્રણ નંબરના બંગલામાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન પ્રેમકુમાર અવસ્થીના ઘરે ચડ્ડી બનિયાનધારી ટોળકી આવી હતી. તેમની પત્ની પર દંડા વડે હુમલો કરી અને રૂ. ત્રીસ હજારની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.

પરિવારજનો જાગી જતાં આ ટોળકી હુમલો કરી અને ફરાર થઇ ગઇ હતી. ડિસેમ્બર ૨૦૧૭માં પણ હથિયારધારી ચોર ટોળકી અરવિંદભાઈ પટેલના બંગલોઝમાં ત્રાટકી હતી અને લાખો રૂપિયાના સોનાના દાગીના અને રોકડ રકમ સહિતની મતાની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી.

બંગલોઝમાં સેફટી ડોર હોવા છતાં ચોર ટોળકી આ દરવાજાને તોડી અંદર પ્રવેશી ચોરી કરવા સફળ થઇ જાય છે. બંગલોઝમાં બેથી ત્રણ વખત ચોરીના બનાવો બની ચુક્યા હોવા છતાં ફરી ચોરી-લૂંટની ઘટના બનતાં બંગલોઝમાં સિક્યોરિટી પર સવાલ ઊભા થયા છે.

ચાંદખેડા પોલીસની વિસ્તારમાં પેટ્રોલિંગ અને કામગીરીની સાવ નબળી હોવાના કારણે ચોર-લૂંટારુ ટોળકી બેફામ બની છે. છેલ્લા વાત કરીએ તો ચોર- લૂંટારુઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. બે મહિનામાં ત્રણથી વધુ લૂંટના બનાવ બન્યા છે. ઉપરાંત ઘરફોડ ચોરીના બનાવો પણ બન્યા છે.

ગત મહિને એક જવેલર્સમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા તેમાં પરિવારજનો જાગી ગયા હતા અને તેમને જોઈ ચોર ટોળકી ભાગી ગઈ હતી. હવે બોપલ અને શીલજ જેવા વિસ્તારોની જેમ હવે ચાંદખેડાવાસીઓએ પણ રાતે જાગીને પોતાની માલમતાની સુરક્ષા જાતે જ કરવી પડશે.

નારોલના લાંભા ગામ પાસે આવેલાં છાપરાંમાં હથિયારધારી લૂંટારુ ટોળકીએ યુવતી પર બળાત્કાર ગુજારી અને લૂંટ ચલાવી હતી. જયારે સરખેજમાં પણ હથિયારધારી ટોળકીએ દરવાજો તોડી બે લોકોને ઇજા કરી લૂંટ કરી હતી. ચાંદખેડામાં પણ હથિયારો સાથે આવતી ટોળકીએ કરેલી લૂંટમાં પોલીસને કોઈ સફળતા મળી નથી.

જાંબાઝ કહેવાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથ પણ આ બાબતે ટૂંકા પડી રહ્યા છે. સામાન્ય વાહન ચોરો અને જેમાં માત્ર સીસીટીવીમાં કોઈ આરોપી દેખાય અને તેનાથી લાઈન મળે તો જ કહેવાતા જાંબાઝ અધિકારીઓ આરોપી સુધી પહોંચી શકે છે.

પરંતુ જેમાં સીસીટીવી નથી અને પાકી બાતમીદારોની વગેરેની મહેનતની જરૂર પડે છે અને તેવી હથિયારધારી ટોળકીઓ અને ચોરોને ઝડપી શકતી નથી.

એક તરફ ચાંદખેડા વિસ્તાર વિકાસ કરી રહ્યો છે તો બીજી તરફ હવે હથિયારધારી ટોળકીઓ અને ચોરો બેફામ બની અને લૂંટફાટ કરી રહ્યા છે. જેથી હવે ચાંદખેડાવાસીઓ અસલામતીમાં જીવી રહ્યા છે.

Tags :