બનાસકાંઠામાં વ્યાજખોરો બેફામ : સહીવાળા કોરા ચેકનું કારસ્તાન

ડીસા : ડીસા- લાખણી સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડાયરીના રૂપકડા નામે વ્યાજખોરીનો બે નંબરી ધંધો ધમધોકાર ધમધમી રહ્યો છે જેમાં સપડાયેલા અનેક પરિવારો પાયમાલ થવા સાથે કેટલાય લોકો કમોતે મર્યા છે તેમછતાં રાજકીય અને પોલીસનું પીઠબળ ધરાવતા વ્યાજખોરોનો વાળ પણ વાંકો થતો નથી તેથી ફાટીને ધુમાડે ગયેલા વ્યાજખોરો બેફામ બની ગયા છે.
સરહદી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મંદી પ્રવર્તે છે વરસાદની અનિયમિતતા અને ભાવ ન મળતા ખેડૂતો દેવામાં ડૂબેલા છે તો મોંઘવારીએ   અમપ્રજાની કમ્મર તોડી નાખી છે તેમાં પણ નોટબંધીએ વેપારીઓને પણ લાચાર કરી દીધા છે તેથી ઘરના ગુજરાન સાથે સામાજિક વ્યવહારો સાચવવા લોઢાના ચણા ચાવવા સમાન થઈ પડ્‌યા છે આ વિકટ પરિસ્થિતિમાં સંજોગોને આધીન ઘણા લોકોને દેવું કરીને પણ મોઢું લાલ રાખવાની ફરજ પડી છે ત્યારે આવા મજબૂર લોકોની મજબૂરીનો લાભ ઉઠાવવા ડાયરીના નામે ધીરધાર કરતા લોકોનો રાફડો ફાટ્યો છે વગર મજૂરીએ માતબર વળતર આપતા આ ગેરકાયદેસરના ધંધામાં અસામાજિક તત્વોએ પણ ઝમ્પલાવ્યું છે જેઓ લોકોની ગરજ અને મજબૂરીનો પુરેપુરો ફાયદો ઉઠાવી  જમીન કે મિલકતના બાના ખત અને દાગીના કે વાહનો તારણમાં લે છે ઉપરથી સહી વાળા કોરા ચેક પણ લે છે એટલું જ નહીં, મહિનાનું મનસ્વીપણે ૧૦ થી ૪૦ ટકા વ્યાજ ગણી વ્યાજનો એક હપ્તો કાપીને રકમ આપે છે તેમાં પણ વ્યક્તિની ગરજ મુજબ દૈનિક પ્રમાણે પણ વ્યાજ વસુલાતું હોય છે જે વ્યાજના પહાડને ભેદવો અશક્ય છે કારણ ઊંચા વ્યાજના કારણે લીધેલી રકમ એટલે કે મૂડી માત્ર છ મહિનામાં ભરપાઈ થઈ જાય છે તેમ છતાં વ્યાજના કારણે મૂડી ઊભીને ઉભી રહે છે. તો પણ વ્યાજ ચુકવવામાં થોડું આઘુ પાછું થાય તો પઠાણી ઉઘરાણી અને ધાક ધમકીનો દૌર શરૂ થઈ જાય છે તેમાં પણ તારણમાં મુકેલી વસ્તુઓ અને કોરા ચેકની તલવાર માથા ઉપર ઝળુંબી રહી હોય છે જેનું માનસિક ટેન્સન અને હતાશા જ તેને અધમુવો કરી નાખે છે તેથી વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલો વ્યક્તિ અને તેનું પરિવાર બરબાદ થઈ જાય છે આખરે તેને કમોતે મરવાનો વારો આવે છે  અનેક આશાસ્પદ માનવ જીન્દગીઓ અકાળે મુરઝાતી હોવાના અહેવાલો આયે દિન મીડિયામાં ચમકતા રહે છે જેના કારણે હોબાળો થાય છે પરંતુ રાજકિય દબાણ અને પોલીસની ઢીલી નીતિથી ભીનું સંકેલાઈ જાય છે તેથી વધુ એક માનવ જિંદગી અકાળે કાળના ખપ્પરમાં હોમાય છે જેના કારણે વ્યાજખોરો બેખોફ અને બેલગામ બની ગયા છે ત્યારે માનવીય અભિગમ દાખવીને પણ જિલ્લા પોલીસ વડા આ બાબતે તટસ્થ તપાસ કરાવી કસુરવારોને દાખલરૂપ સજા ફટકારી વર્ષોથી ગેરકાયદેસર ચાલતા ગોરખધંધાને બંધ કરાવે તેવી આમ પ્રજાની લાગણી સાથે માંગણી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.