02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / રાજકોટમાં ભાજપ અગ્રણી સામે પડનાર PI સોનારાની બદલીનો સોશ્યલ મીડિયામાં વિરોધ

રાજકોટમાં ભાજપ અગ્રણી સામે પડનાર PI સોનારાની બદલીનો સોશ્યલ મીડિયામાં વિરોધ   08/08/2018

રાજકોટ : આધુનિક સમયમાં લોકો પોતાની લાગણી સોશ્યલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કરતા હોય છે. પીઆઈ સોનારાની રાજકીય ઈશારે થયેલી બદલી મામલે પણ લોકોએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયાઓ આપી હતી. વોટ્સએપ-ફેસબુક પર લોકોએ આ બદલીનો ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં હજારો લોકોએ તેમની બદલીની પોસ્ટ શેર કરી હતી. તેમજ લાખો લોકોએ આ પોસ્ટ નીહાળી તેના પર પોલીસના સમર્થનમાં કૉમેન્ટ્સ પણ કરી હતી. એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોએ પીઆઇના સપોર્ટમાં વોટ્સએપ તેમજ ફેસબુકના સ્ટેટ્સ રાખીને પણ આ બદલીના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

શહેરના હેમંત વિરડા નામના એક સામાજીક કાર્યકારે તો તમામ સરકારી અધિકારીઓને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.તેમણે લખ્યું હતું કે, "રાખજો અદબ પલાંઠી ને મો પર આંગળી.. જો બોલ્યા તો બદલી થશે.. તમામ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓના હિતમાં આ ખુલ્લો પત્ર છે. આપ સૌ સાવધ રહેજો. ચૂપ રહેજો" તેમણે ફેસબુક પર પોસ્ટ કરેલા પત્રમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા ન હોવાનું જણાવી ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા હતા. તેમની આ પોસ્ટ પણ સોશ્યલ મીડિયામાં ભારે વાઈરલ થઈ હતી. 

સામાજીક કાર્યકર હેમંત વિરડાનો પત્ર
( ખુલ્લો પત્ર)
પ્રતિ
સરકારી અધિકારીઓ
પોલીસ કર્મીઓ
ગુજરાત 
વિષય : રાખજો અદબ પલાંઠી ને મો પર આંગળી.. જો બોલ્યા તો બદલી થશે..

તમામ સરકારી અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓના હિતમાં આ ખુલ્લો પત્ર છે. આપ સૌ સાવધ રહેજો. ચૂપ રહેજો. 
રાજકોટમાં પીઆઈ સોનારા સાહેબની થયેલી બદલી બાદ તો આમ જ કહેવુ પડે તેમ છે. ખાસ કરીને રાજકારણીઓથી તો દબાઈને જ રહેવું.. મૌન રહેવું.. થાય તે જોયા કરવું.. નોકરી કરવી.. પગાર લેવો.. સ્વમાન નેવે મુકવુ.. કાયદેસર કરવા જશો તો કાયદાને ગજવે રાખનાર રાજકારણીઓ તમારી બદલી કરાવી દેશે.. ભાજપના કાર્યકરો ને'ય કાંઈ કેવાતુ નથી તો મુખ્યમંત્રીના ચમચા જેવા ભાજપી નેતાના ઓટલા તો ના જ તોડાય.. બાકી મુખ્યમંત્રીની દુ:ખતી નસ જાણનાર એ ચમચાએ પક્ષને એવી તો ધમકી આપી કે ગણતરીના કલાકોમાં જ જાંબાજ પોલીસ કર્મીની બદલી માટે ભલામણ આવી.. ને બદલી થઈ.

આમ તો કડક કાર્યવાહી કરીને કાયદાનું પાલન કરાવનાર પોલીસ અધિકારીની પીઠ થબથબાવાય પણ અહીં તો પોતાના અધિકારીની ખોટી રીતે થતી બદલી સાવ કઠપૂતળીની જેમ જોતા રહીને મનોજ અગ્રવાલ સાહેબ પણ પોલીસ જવાનોની નજરમાંથી ઉતરી ગયા છે. ગેરકાયદે દબાણ કરનાર ભાજપી નેતાનું તો થોડું દબાણ તૂટ્યું છે.. પણ જાબાંઝ પીઆઈ સોનારા સાહેબની બદલી કરીને સરકારે કેટલાય પોલીસ કર્મીઓનું મનોબળ તોડ્યું છે.

અમદાવાદમાં પણ આવો જ ઘાટ હતો.. નહેરાસાહેબ અને સિંઘ સાહેબની બદલીનો.. પણ અમદાવાદીઓએ સોશિયલ મીડિયા પર એક મુહિમ ચલાવી.. પરિણામે સરકાર ધારવા છતા બદલી ન કરી શકી.. ને રાજકોટની જનતા બસ નમાલી સાબિત થઈ.. સારા અધિકારીને ન બચાવી શકી.. હવે સહેશે સરકારનો જ માર.. એમાં તમારે અધિકારીઓને શું ? પોલીસ કર્મીઓને શું ? જનતા છે જ એ લાગની... તમે તો ચૂપ જ રેજો.. સાવધ રેજો.. બસ ભાજપના હિટલરશાહીનો ભોગ ના બનતા.. બદલી થાય એવું ન કરતા..

ધાર્યું હોત તો મારી વ્યથા હું મુખ્યમંત્રીને કે મેયરશ્રીને કે પછી પોલીસ કમિશનરને ખુલ્લો પત્ર લખીને ઠાલવી શક્યો હોત.. પણ એ પત્ર ખાલી વ્યથા બનીને રહી જાત.. મુખ્યમંત્રીની ડસ્ટબિનમા જાત ( સ્વચ્છતાનો ડોળ તો કરે જ ને ! )। એના કરતા થયું કે સરકાર નથી વિચારતી એ અધિકારી ભાઈઓને જ ખુલ્લો પત્ર લખી નાખુ..

પત્ર મળે એટલે જવાબી પત્ર લખજો એમ તો નહી કહુ.. પણ હા એમ ચોક્કસ કહીશ કે પત્ર તમારા સરકારી અધિકારી ભાઈ સુધી જરૂર પહોંચાડજો.. જેથી તેની બદલી ના થાય..

Tags :