પુરતાં ભાવ ન મળતા જામનગરમાં 500 મણ ડુંગળી અને 300 મણ લસણ ફ્રીમાં આપ્યું

ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા જામનગરમાં કોંગ્રેસ દ્વારા 500 મણ ડુંગણી અને 300 મણ લસણનું વિનામૂલ્યે વિતરણ કરી સરકારની નીતિરીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. યાર્ડમાં 1 કીલો ડુંગળીના રૂ.1 થી 2 અને લસણના 2 થી 3 ભાવ ખેડૂતોને મળતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ હોય ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી હોય ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
 
આ સ્થિતિમાં લસણ-ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ છે. આમ છતાં રાજય સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતાં જામગનરમાં કોંગ્રેસ દ્વારા શુક્રવારે વિનામૂલ્યે ડુંગણી-લસણના વિતરણ કરી સરકારની ઉંઘ ઉડાવવા આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હતો. જે અંતર્ગત કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત સામે 500 મણ એટલે કે 10000 કીલો ડુંગળી અને 300 મણ એટલે કે 6000 કીલો લસણનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે,માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના રૂ.1 થી 2 અને લસણના રૂ.2 થી 3 ઉપજતાં ટ્રાન્પોર્ટેશન ખર્ચ વધુ હોય ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમ માડમ,જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિગુભા જાડેજા,કોંગી નગરસેવકો,આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
 
મગફળીમાં ટેકાના તો કપાસ તેમજ અન્ય જૂજ જણસોમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. જયારે ડુંગળી-લસણના પાણીના ભાવ થઇ જતાં ખેડૂતોની આંખમાં પાણી આવી ગયા છે. કારણ કે,ડુંગળી-લસણ બગડી જવાથી ખેડૂતો સંગ્રહ પણ કરી શકતા નથી જેના કારણે ના છૂટકે ખેડૂતો પાણીના ભાવે ડુંગળી-લસણ વેંચવા મજબૂર બન્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.